US Election 2024: બિલ ગેટ્સે કમલા હેરિસના ચૂંટણી ફંડમાં 50 મિલિયન ડોલર આપ્યા, ટ્રમ્પની વાપસી અંગે ચિંતા વ્યક્ત કરી
US Election 2024: માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનમાં અંદાજે $50 મિલિયન (રૂ. 420 કરોડ)નું દાન આપ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, આ દાન ફ્યુચર ફોરવર્ડ નામની બિન-લાભકારી સંસ્થાને આપવામાં આવ્યું છે. આ સંસ્થા હેરિસના ચૂંટણી અભિયાનને સમર્થન આપી રહ્યા છે. જો કે, ગેટ્સે આ દાનને જાહેરમાં જાહેર કર્યું ન હતું, કારણ કે તેમણે હજી સુધી હેરિસને સીધો ટેકો આપ્યો નથી.
ટ્રમ્પની સંભવિત જીતથી ચિંતિત છે બિલ ગેટ્સ
US Election 2024: બિલ ગેટ્સે તેમના નજીકના મિત્રો અને સહયોગીઓને ફોન કોલ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના ફરીથી રાષ્ટ્રપતિ બનવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને ડર છે કે જો ટ્રમ્પ ફરીથી સત્તામાં આવે છે, તો વૈશ્વિક સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજન સંબંધિત કાર્યક્રમોમાં કાપ મુકવામાં આવી શકે છે, જે વિશ્વભરના નબળા જૂથોને નુકસાન પહોંચાડશે.
“આ ચૂંટણી અલગ છે”: બિલ ગેટ્સ
બિલ ગેટ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું એવા ઉમેદવારોને સમર્થન આપું છું જેઓ સ્વાસ્થ્ય સંભાળ સુધારવા, ગરીબી નાબૂદ કરવાનું અને ક્લાઈમેટ ચેન્જ સામે નક્કર પગલાં લેવાનું વચન આપે છે. ભલે મેં દરેક રાજકીય વિચારધારાના નેતાઓ સાથે કામ કર્યું છે, પરંતુ આ ચૂંટણી ખૂબ જ અલગ અને ખૂબ જ મહત્વપૂર્ણ છે. “
યુવા નેતૃત્વની જરૂરિયાત પર ભાર
જુલાઈમાં ફ્રાન્સ 24 સાથેની એક મુલાકાતમાં, જ્યારે કમલા હેરિસને જો બાઈડેનના સ્થાને ડેમોક્રેટિક ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા, ત્યારે ગેટ્સે આ નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું હતું કે, અમને એવા યુવા નેતાઓની જરૂર છે જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા આધુનિક પડકારોને સમજી શકે છે..
કમલા હેરિસે તાજેતરમાં જ તેમનો 60મો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યારે તેમના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પ 78 વર્ષના છે અને યુએસના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. ગેટ્સની પૂર્વ પત્ની મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે પણ કમલા હેરિસને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.
અમીરોના સમર્થનમાં વિભાજન
રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 81 અબજોપતિ હેરિસના સમર્થનમાં આગળ આવ્યા છે. જોકે, ટેસ્લાના માલિક એલન મસ્કે ટ્રમ્પને ટેકો આપતા આ ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી છે.
આ વખતે અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી ઘણી મહત્વની છે. બિલ ગેટ્સનું માનવું છે કે આનાથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નબળા વર્ગો અને વૈશ્વિક સ્વાસ્થ્ય નીતિઓને અસર થશે. આવી સ્થિતિમાં કમલા હેરિસને તેમનું સમર્થન મહત્ત્વનું તો છે જ, પરંતુ આ ચૂંટણીમાં શું દાવ પર છે તે દર્શાવે છે.