નવી દિલ્હીઃ અમેરીકાએ ભારતમાં વધી રહેલા કોરોના વાયરસના કેસ સામે ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ અમેરિકાએ કહ્યું કે દરેક સંભવ મદદ કરવામાં આવશે. વ્હાઇટ હાઉસના નેશનલ સિક્યોરીટી એડવાઇઝર જએક સૂલીવાને કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે અમેરિકા ખૂબ ચિંતિત છે અને અમે વધારેમાં વધારે સપ્લાય પહોંચાડવા માટે દિવસ રાત કામ કરી રહ્યા છે. મહામારી સામે લડી રહેલા બહાદુર ભારતીયોને અમે સમર્થન આપીશું.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ કહ્યું કે મહામારી સામે ભારતીયો પ્રત્યે અમારી સંવેદના છે અને અમે ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે. અમે ભારતના નાગરિકો અને સ્વાસ્થ્ય કર્મી હીરો માટે વધારવાનું સમર્થન ખૂબ જલ્દી પહોંચાડીશું.
નોંધનીય છે કે ભારતમાં કોરોના વાયરસ સામે લડવા માટે વધુમાં વધુ લોકોને વેક્સિન આપવાની જરૂર છે ત્યારે અમેરિકાએ વેક્સિનના કાચા માલ પર રોક લગાવીને રાખી છે. જેના કારણે અમેરિકા પર સતત દબાણ વધી રહ્યું છે કે આ રોકને હટાવી લેવી જોઈએ. જોકે અમેરિકાની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મુદ્દે અમેરિકાના નાગરિકોને જ પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી છે કારણ કે શહેર શહેર કોરોના કહેર જોવા મળી રહ્યો છે. ભારતની મોટી મોટી હોસ્પિટલોના હાલ બેહાલ છે જ્યારે નાના શહેરો અને ગામડાઓમાં તો ભયંકર પરિસ્થિતિ છે. લોકો ઑક્સીજન વગર તરફડીને મરી રહ્યા છે.
ભારતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે એક દિવસ 3,49,691 નવા કેસ નોંધાયા છે જ્યારે 2,767 દર્દીઓના મોત થતાં દેશમાં કોહરામ જેવી પરિસ્થિતિ છે. જોકે રાહતની વાત કહી શકાય કે ભારતમાં 2,17,113 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત પણ મેળવી.