નવી દિલ્હી : અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક 16 ઓગસ્ટ સાંજે 7:30 વાગ્યે યોજાઇ હતી. આ બેઠક દરમિયાન ચીને ફરી એકવાર પાકિસ્તાનનો રાગ આલાપ્યો હતો. ચીને ભારત પર આરોપ લગાવ્યો હતો કે, અફઘાનિસ્તાનનો એક પડોશી દેશ (પાકિસ્તાન), જે ચર્ચામાં પોતાનું નિવેદન આપવા માંગતો હતો, તેને બોલવાની મંજૂરી નહોતી. ચીને તેને કમનસીબ ગણાવ્યું.
ભારત સરકારના સૂત્રોએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, ચર્ચાના ફોર્મેટમાં કાઉન્સિલના સભ્યો અને માત્ર અસરગ્રસ્ત દેશો માટે ઓપન બ્રીફિંગનો નિશ્ચિત કાર્યક્રમ હતો. માત્ર એક દેશ (પાકિસ્તાન) જ નહીં પરંતુ ઘણા વધુ પ્રાદેશિક દેશોએ બોલવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ સભ્ય દેશોમાં સંપૂર્ણ સંમતિ વિના આ શક્ય નથી, અને આ વિષય પર સભ્ય દેશોમાં કોઈએ મતની માંગણી પણ કરી નથી. ચીન નિયમ ન જાણતું હોવાનું કહી ભારતે ચીનની પણ બોલતી બંધ કરી દીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એક દેશ દ્વારા ભારત સામે આરોપ સંપૂર્ણપણે પાયાવિહોણો છે અને તે દર્શાવે છે કે તે સભ્ય દેશ ચર્ચાના નિયમોથી વાકેફ નથી. એક દેશ દ્વારા ભારત પર દુર્ભાવનાપૂર્ણ કાર્યવાહી કરવાનો આરોપ લગાવવો એકદમ ખોટો છે.
UNSC ની બેઠકમાં શું થયું, અધ્યક્ષપદ સંભાળતા ભારતે શું કહ્યું?
અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ચિંતા વ્યક્ત કરતા ભારતે કહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં મહિલાઓ, પુરુષો અને બાળકો ભયના પડછાયા હેઠળ જીવી રહ્યા છે, અને આ સ્થિતિ ચિંતાનો વિષય છે, યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે, યુદ્ધગ્રસ્ત દેશના લોકોને એકલા છોડી શકાય નહીં.
બેઠક દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનના પાડોશી દેશ તરીકે, તેના લોકોના મિત્ર તરીકે, દેશમાં વર્તમાન પરિસ્થિતિ ભારતમાં આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. અફઘાનિસ્તાનના પુરુષો, સ્ત્રીઓ અને બાળકો ભયની સ્થિતિમાં રહે છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આંતરરાષ્ટ્રીય સમુદાયને હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, તેમણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અફઘાનિસ્તાન ફરી એક વખત આતંકવાદી સંગઠનો માટે સુરક્ષિત સ્વર્ગ ન બને. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધગ્રસ્ત દેશના લોકોને એકલા છોડી શકાય નહીં.