Turkey: એર્ડોગનની ખુરશી જોખમમાં, ઇસ્તંબુલના મેયર ઇમામોગ્લુની ધરપકડ પર હિંસક વિરોધ
Turkey: તુર્કીમાં પરિસ્થિતિ હવે કાબુ બહાર થતી જણાય છે. ખાસ કરીને ઇસ્તંબુલના મેયર એકરેમ ઇમામોગ્લુની ધરપકડ પછી, રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. એર્દોગન દ્વારા ઇમામોગ્લુની ધરપકડનો આદેશ આપ્યા બાદ દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ઇમામોગ્લુને એર્દોગનના મુખ્ય રાજકીય હરીફ તરીકે જોવામાં આવે છે, અને તેમના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
પોલીસે પ્રદર્શનકારીઓને વિખેરવા માટે ટીયર ગેસ, પેપર સ્પ્રે અને રબર બુલેટનો ઉપયોગ કર્યો. ઇસ્તંબુલના ઐતિહાસિક વોટર-બ્રિજ પાસે વિરોધીઓએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો. તુર્કી સરકાર વિરુદ્ધ વિરોધ પક્ષોનો આરોપ છે કે એર્દોગન પોતાની સત્તા ટકાવી રાખવા માટે સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યા છે.
ઇમામોગ્લુ પર ભ્રષ્ટાચાર અને આતંકવાદ સંબંધિત આરોપો લગાવવામાં આવ્યા છે, અને તેમની ધરપકડ બાદ ઘણા અન્ય વિપક્ષી નેતાઓની પણ અટકાયત કરવામાં આવી છે. તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાના જણાવ્યા અનુસાર, વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 97 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ઘટનાક્રમથી તુર્કીમાં સત્તા સંઘર્ષ અને રાજકીય અસ્થિરતા વધુ ઘેરી બની છે, ભવિષ્યમાં એર્દોગનની બેઠક માટે વધુ ઉથલપાથલ થવાની અપેક્ષા છે.