લંડનઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનના ત્રીજા લગ્નની ચર્ચાઓ ગણા સમયથી ચાલી રહી હતી. ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમઆણે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનએ પોતાની મંગેતર કૈરી સાઇમન્ડ્સ સાથે એક સીક્રેટ સેરેમનીમાં લગ્ન કરી દીધા છે. બ્રિટન મીડિયા અનુસાર આ સમારોહ શનિવારે વેસ્ટમિંસ્ટર કેથેડ્રલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. જોનસનની ડાઉનિંગ સ્ટ્રીટ ઓફિસની મહિલા પ્રવક્તાએ આ રિપોર્ટ પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
બ્રિટિશ અખબાર ‘ધ સન’ અને ‘મેલ ઓન સંડે’ અનુસાર આ લગ્નમાં તમામ મહેમાનોને અંતિમ સમયે જ આમંત્રણ પાઠવવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે જોનસનની ઓફિસના સીનિયર અધિકારીઓને પણ લગ્નને લઈ જાણકારી નહોતી. કોવિડ-19 મહામારીના કારણે બ્રિટનમાં હાલના સમયમાં લગ્નમાં માત્ર 30 લોકો જ સામેલ થવાની મંજૂરી મળે છે.
56 વર્ષીય બોરિસ જોનસન 2019થી વડાપ્રધાન બન્યા બાદથી જ ડાઉનિંગ સ્ટ્રીટમાં પોતાની 33 વર્ષીય મંગેતર કૈરી સાઇમન્ડ્સની સાથે રહે છે. ગયા વર્ષે બંનેએ પોતાના સંબંધોને લઈ ઘોષણા કરી હતી અને આવનારા બાળક વિશે પણ જણાવ્યું હતું. એપ્રિલ 2020માં તેમને દીકરો થયો હતો. તેનું નામ વિલફ્રેડ લૉરી નિકોલેસ જોનસન પાડવામાં આવ્યું છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ખોટું બોલવાના કારણે વિપક્ષમાં રહેતા બોરિસ જોનસનને એક વાર કન્ઝર્વેર્ટિવ પાર્ટીની પોલિસી ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના બે વાર છૂટાછેડા થઈ ચૂક્યા છે.