વૉશિંગટન: અત્યારે કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે અમેરીકાના રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિએ ભારતને આશ્વાસન આપ્યું છે.અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ મામલે ટ્વીટ કરવામાં આવ્યું છે. જો બાઇડને ટ્વીટ કરીને લખ્યું છે કે, અમેરિકા કોરોના વાયરસના સંકટ સામે લડવા માટે ઉપયોગી સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરું પાડતું રહેશે. બાઇડને ટ્વીટ કર્યું છે કે, “જેવી રીતે ભારતે ખરા સમયે કોરોના સંકટમાં અમેરિકાની મદદ કરી હતી તેવી જ રીતે અમે ભારતની મદદ કરવા માટે દ્રઢ છીએ.”
જો બાઇડન ઉપરાંત અમેરિકાના ઉપ-પ્રમુખ કમલા હેરિસે પણ ટ્વીટ કરીને ભારતને મદદની ખાતરી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, “મદદની સાથે સાથે અમે ભારતના નાગરિકો અને ખાસ કરીને સાહસિક સ્વાસ્થ્યકર્મીઓ માટે પ્રાર્થના કરીએ છીએ.” ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે અમેરિકાના શીર્ષ નેતૃત્વ તરફથી આ પ્રથમ પ્રતિક્રિયા છે. ઉપ-વિદેશ મંત્રી વેન્ડી શરમને કહ્યું છે કે, તેઓ આ મુદ્દે હાલના દિવસોમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા અને અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધૂના સંપર્કમાં છે.
બ્રિટન બાદ અમેરિકાએ ભારતને વેક્સીન ઉત્પાદન, ઑક્સીજનથી લઈને વેન્ટિલેટર સહિત દરેક સ્તરે મદદ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતના રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અને અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે થયેલી વાતચીતમાં આ અંગે સહમતિ બની છે. વાતચીત દરમિયાન અમેરિકાએ ભારતીય કોરોના વેક્સીન કોવિશીલ્ડ માટે કાચો માલ આપવાની તૈયાર બતાવી છે.
રવિવારે અમેરિકાના NSA જેક સુલિવન અને ભારતના NSA અજીત ડોભાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન અમેરિકાએ ભારત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી હતી. ભારત અને અમેરિકામાં આજકાલ કોરોના સંક્રમણના સૌથી વધારે કેસ છે. ભારત અને અમેરિકા વચ્ચે મેડિકલ ક્ષેત્રે સાત દાયકાથી સહયોગ રહ્યો છે. એવામાં બંને દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોએ સંકટના સમયમાં એકબીજાનો સાથ આપવાની વાત કરી હતી. કોરોના મહામારીની શરૂઆતમાં ભારતે અમેરિકાની મદદ કરી હતી. હવે અમેરિકા ભારતની મદદ માટે સહમત થયું છે.
અમેરિકાએ આ દરમિયાન ઝડપથી ભારતને કોરોના સંક્ટ સામે લડાઈ લડવા માટે દરેક સંભવિત મદદ કરવાનો અને સંસાધનો ઉપલબ્ધ કરાવવા માટે તૈયારી બતાવી છે. અમેરિકા ભારતમાં બની રહેલી કોરોના વેક્સીન કોવિશીલ્ડના ઉત્પાદન માટે કાચો માલ આપવા માટે પણ તૈયાર છે. ભારતમાં કોરોના દર્દીઓની સારવાર માટે ફ્રન્ટ વર્કર્સની સુરક્ષા માટે અમેરિકા જરૂરી એવી પીપીઈ કીટ, ટેસ્ટિંગ કીટ, વેન્ટિલેટર્સ સહિતની વસ્તુઓ મોકલશે.
અમેરિકા તાત્કાલિક ભારતને ઑક્સીજન ઉત્પાદન અને તેના પુરવઠા માટે જરૂરી સંશાધનો મોકલવા માટે પણ રાજી થયું છે. અમેરિકા ભારતની વેક્સીન નિર્માતા કંપનીને ફંડ આપવા માટે પણ તૈયાર થયું છે, જેનાથી કંપની 2022ના અંત સુધી એક અબજ ડોઝ બનાવી શકે. આ બેઠક દરમિયાન બંને દેશના NSA ભવિષ્યમાં પણ એકબીજાના સતત સંપર્કમાં રહેવા માટે તૈયાર થયા છે.