ગાજા: કેટલાક ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. અને આ તણાવ ધીમે ધીમે હિંસક પણ બનતો જાય છે. રાતોરાત બંને પક્ષોની વચ્ચે થયેલા હુમલાઓમાં મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. તાજેતરના અપડેટ મુજબ, હમાસે પણ ઈઝરાયલ ઉપર લગભગ 100 રોકેટ છોડ્યા છે, જેમાં એક ભારતીયનું પણ મોત થયું છે. અહેવાલ છે કે આ ઘર્ષણમાં અત્યાર સુધી 35 પેલેસ્ટાઇની અને 3 ઇઝરાયલી માર્યા ગયા છે.
બીબીસીના રિપોર્ટ મુજબ, સોમવાર રાતથી અત્યાર સુધી ઈઝરાયલ તરફ 300થી વધારે રોકેટ છોડવામાં આવી ચૂક્યા છે. બીજી તરફ, ઈઝરાયલનું કહેવું છે તેના જવાબમાં તેમણે ગાજામાં 150 સ્થળો પર હુમલો કર્યો છે. મીડિયા રિપોર્સ્ુ મુજબ, હુમલામાં મૃત્યુ પામનારી ભારતીય મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે, જે છેલ્લા 7 વર્ષથી ઈઝરાયલમાં રહેતી હતી. રિપોર્ટ્સ મુજબ, હુમલા સમયે સૌમ્યા એક ઘરમાં વૃદ્ધ મહિલાની દેખભાળ કરી રહી હતી. આ ઘટનામાં વૃદ્ધ મહિલાનો જીવ બચી ગયો પરંતુ સૌમ્યાનું મોત થયું છે. મળતી માહિતી મુજબ વૃદ્ધ મહિલાને ઘાયલ અવસ્થામાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સમાં ઈઝરાયલના વિદેશ મંત્રાલયના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે હમાસ તરફથી રહેણાંક વિસ્તારોમાં 130 રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન જેરુસલેમમાં પણ હિંસાની વાતો સામે આવી રહી છે. ઈઝરાયેલે પણ મંગળવારે હુમલા વધારતા ગાજા પટ્ટી પર હુમલા કર્યા છે. આ દરમિયાન એક વિશાળ ઈમારતને નિશાન બનાવવામાં આવી, જેમાં હમાસના ચરમપંથી રહેતા હતા. આ દરમિયાન 3 આતંકવાદીઓના મોત થયા હતા.
ઈઝરાયલ અને પેલેસ્ટાઇનની વચ્ચે ચાલી રહેલી હિંસાને કારણે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ લૉડ શહેરમાં ઇમરજન્સીની ઘોષણા કરી છે. સરકારે પ્રદર્શનોને કારણે આ નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી એએનઆઇએ ધ ટાઇમ્સ ઓફ ઈઝરાયલના રિપોર્ટના હવાલાથી લખ્યું કે આ દરમિયાન ત્રણ ધાર્મિક સ્થળ અને અનેક દુકાનોને આગ લગાવી દેવામાં આવી છે. પ્રદર્શનકર્તાઓએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.