યુદ્ધની થકાવટ, ઘરેલુ અસંતોષ અને ટ્રમ્પના પ્રેશરથી યુદ્ધના ૩ વર્ષ બાદ પુતિન ટાઢા પડયા છે અને હવે શાંતિ પ્રસ્તાવ પર વાત કરવા તૈયાર છે.
યુદ્ધના શરૂઆતના દિવસો પછી પહેલી વાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોનો પ્રસ્તાવ મૂકયો છે. અગાઉ, પુતિને ઇસ્ટરના અવસર પર એક દિવસના એકપક્ષીય યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. હવે તેણે બીજી વખત યુદ્ધ બંધ કરવાની ઓફર કરી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ ઓફરનો સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. ઝેલેન્સકીએ રાત્રે રેકોર્ડ કરાયેલા એક વિડીયો સંદેશમાં ભાર મૂકયો હતો કે યુક્રેન યુદ્ધવિરામ અંગે કોઈપણ વાટાઘાટો માટે તૈયાર છેે જે નાગરિકો પરના હુમલા રોકવા તરફ એક સકારાત્મક પગલું હશે.
પુતિન અને ઝેલેન્સકી બંને પર વાટાઘાટોના ટેબલ પર આવવા માટે અમેરિકાનું દબાણ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહૃાું છે કે જો બંને દેશો શાંતિના પગલાં પર આગળ નહીં વધે તો અમેરિકા આ પ્રયાસમાંથી ખસી જશે. ગયા સપ્તાહના અંતે મોસ્કો દ્વારા જાહેર કરાયેલા ૩૦ કલાકના ઇસ્ટર યુદ્ધવિરામ બાદ રશિયા અને યુક્રેને કહૃાું છે કે તેઓ વધુ યુદ્ધવિરામ માટે તૈયાર છે.
જોકે, બંને પક્ષોએ એકબીજા પર તેનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ઝેલેન્સકીએ કહૃાું કે યુક્રેન બુધવારે લંડનમાં અમેરિકા અને યુરોપિયન દેશો સાથેની વાટાઘાટોમાં ભાગ લેશે. આ ચર્ચા ગયા અઠવાડિયે પેરિસમાં યોજાયેલી બેઠકને અનુસરે છે, જેમાં યુએસ અને યુરોપિયન દેશોએ ત્રણ વર્ષથી વધુ જૂના યુદ્ધને સમાપ્ત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.
રશિયન સરકારી ટીવી રિપોર્ટર સાથે વાત કરતા, પુતિને કહૃાું કે ઇસ્ટર યુદ્ધવિરામ પછી લડાઈ ફરી શરૂ થઈ ગઈ છે, જેની તેમણે શનિવારે એકપક્ષીય જાહેરાત કરી હતી. તેમણે કહૃાું કે મોસ્કો કોઈપણ શાંતિ પહેલ માટે ખુલ્લું છે અને કિવ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે. અમે હંમેશાં એ હકીકત વિશે વાત કરી છે કે કોઈપણ શાંતિ પહેલ પ્રત્યે અમારુ વલણ સકારાત્મક છે.