Russia અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં તાજેતરના મિસાઈલ હુમલાએ ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચાડ્યો છે.
Russia મંગળવારે યુક્રેનના પોલ્ટાવા વિસ્તારમાં સ્થિત એક સૈન્ય સંસ્થાન પર બે બેલેસ્ટિક મિસાઈલ છોડી હતી. આ હુમલામાં 51 લોકોના મોત થયા છે અને 271થી વધુ લોકો ઘાયલ થયા છે. હુમલામાં માર્યા ગયેલા લોકોમાં કેટલાક સૈનિકોનો સમાવેશ થાય છે, જોકે યુક્રેનના સુરક્ષા દળોએ જણાવ્યું નથી કે માર્યા ગયેલા લોકોમાં કેટલા સૈનિકો હતા.
https://twitter.com/MarioNawfal/status/1831186490568687926
આ હુમલો યુક્રેનના સૈન્ય દળો માટે મહત્વપૂર્ણ કેન્દ્ર એવા પોલ્ટાવામાં મિલિટરી કોમ્યુનિકેશન્સ ઇન્સ્ટિટ્યૂટ પર થયો હતો. મિસાઈલો સંસ્થાની ઈમારતો પર પડી, જેનાથી ઈમારતોનો મોટો ભાગ નાશ પામ્યો અને કાટમાળ નીચે ઘણા લોકો ફસાઈ ગયા. યુક્રેનની ઈમરજન્સી સર્વિસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 25 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 11ને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ આ હુમલાની સખત નિંદા કરી અને તેને “રશિયન બર્બરતા” ગણાવી. તેમણે આ હુમલાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે આ જઘન્ય અપરાધ માટે રશિયાને જવાબદાર ગણવામાં આવશે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ તેમના વિડીયો સંબોધનમાં કહ્યું કે આ હુમલાએ યુક્રેન માટે વધુ એક દુ:ખદ દિવસ ઉમેર્યો છે. તેમણે કહ્યું કે સરકાર અને બચાવ ટુકડી શક્ય તેટલા લોકોના જીવ બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.
આ હુમલો યુક્રેનના લશ્કરી દળો માટે મોટો ફટકો છે, કારણ કે આ સંસ્થા તેમના સંચાર અને વ્યૂહાત્મક વિકાસ માટે મહત્વપૂર્ણ હતી. યુક્રેનનું સંરક્ષણ મંત્રાલય તપાસ કરી રહ્યું છે કે શું સૈનિકોની સુરક્ષા માટે પૂરતા પગલા લેવામાં આવ્યા હતા. આ હુમલાએ યુક્રેનની સૈન્ય સંસ્થાઓની સુરક્ષાને લઈને નવા સવાલો ઉભા કર્યા છે.
રશિયા એ તાજેતરના અઠવાડિયામાં યુક્રેન પર મિસાઈલ અને ડ્રોન હુમલામાં વધારો કર્યો છે. આ હુમલા પહેલા રશિયાએ ગયા અઠવાડિયે યુક્રેનમાં અનેક મહત્ત્વના સ્થળોને નિશાન બનાવીને સૌથી ભારે બોમ્બમારો કર્યો હતો. યુક્રેને પણ 158 ડ્રોન વડે રશિયન ઓઈલ રિફાઈનરી અને પાવર સ્ટેશનને નિશાન બનાવીને રશિયા સામે જવાબી કાર્યવાહી કરી છે.