વૉશિંગટન: કોવિડ-19થી સાજા થયેલા લોકોમાં વાયરસ હોવાનું માલુમ થયાના છ મહિનામાં મોતનું જોખમ વધારે હોય છે. આમાં એવા લોકો પણ શામેલ હોઈ શકે છે જેમને કોરોના માલુમ પડ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી ન હોય. આ જાણકારી કોરોના અંગે અત્યારસુધીનો સૌથી વિશાળ અભ્યાસમાં સામે આવી છે. નેચર પત્રિકામાં પ્રકાશિત થયેલા અધ્યયનમાં અધ્યયનકર્તાનું કહેવું છે કે આગામી વર્ષોમાં દુનિયાની વસ્તી પર આ બીમારીનો મોટો ભાર આવવાનો છે.
અમેરિકામાં વૉશિંગટન યુનિવર્સિટીમાં સ્કૂલ ઑફ મેડિસનના અભ્યાસકર્તાએ કોવિડ-19 સંબંધમાં વિવિધ બીમારીની એક યાદી ઉપલબ્ધ કરાવી છે, જેનાથી કોરોના મહામારીને પગલે લાંબા સમયમાં ઊભી થનારી મુશ્કેલીની એક મોટી તસવીર પણ ઊભરીને સામે આવે છે. તેમણે પુષ્ટિ કરી છે કે શરૂઆતમાં ફક્ત શ્વાસના રોગ સાથે જોડાયેલા વિષાણુ (વાયરસ) તરીકે સામે આવેલો કોવિડ-19 વાયરસ લાંબા ગાળે લગભગ શરીરના દરેક અંગ અને તંત્રને પ્રભાવિત કરી શકે છે.
આ અભ્યાસમાં આશરે 87,000 કોવિડ-19 દર્દી અને આશરે 50 લાખ અન્ય દર્દીઓને શામેલ કરાયા હતા. આ એવા લોકો હતા જેઓ બીમારીમાંથી ઊગરી ગયા હતા. અભ્યાસના વરિષ્ઠ લેખક અને મેડિસિન સહાયક પ્રોફેસર જિયાદ અલ-અલીએ કહ્યુ કે, “અમારા સંશોધનમાં એવું સામે આવ્યું છે કે કોરોના રોગની જાણકારી મળ્યાના છ મહિના પછી કોવિડ-19ના સામાન્ય કેસમાં પણ મોતનું જોખમ ઓછું નથી થતું. બીમારીની ગંભીરતાની સાથે તે વધતું જાય છે.” અલ-અલી કહે છે કે, “ડૉક્ટરોએ એવા દર્દીઓની તપાસ કરતા સજાગ રહેવું જોઈએ જેઓ કોરોના સંક્રમિત થઈ ગયા છે. આ દર્દીઓને વિશેષ દેખરેખની જરૂરી રહશે.”
શોધકર્તાઓએ દર્દીઓ સાથે થયેલી વાતચીતના આધારે પ્રથમ નજરમાં સામે આવેલા કેસ અને લધુ અધ્યયનમાં મળેલા સંકેતોની ગણતરી કરી હતી. જેમાં કોવિડ-19ની બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં અન્ય આડઅસર જોવા મળી હોય. તેમણે કહ્યુ કે, આ આડઅસરોમાં શ્વાસ સંબંધી તકલીફો, હૃદયના અનિયમિત ધબકારા, માનસિક સ્વાસ્થ્ય અને વાળનું ખરવું વગેરે શામેલ છે.