North Korean: સરમુખત્યાર કિમ જોંગનો નવો ક્રેઝ, ઉત્તર કોરિયાએ આત્મઘાતી ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું.
North Korean: ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને નવા ‘આત્મઘાતી ડ્રોન’ના પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું અને તેમની સૈન્યની લડાયક તૈયારીને વધારવા માટે આવા શસ્ત્રોના વિકાસને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું. સરકારી મીડિયાએ સોમવારે આ જાણકારી આપી. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેના તણાવ વચ્ચે કિમ પોતાની વધતી જતી સૈન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરી રહ્યા છે. ઉત્તર કોરિયાના પરીક્ષણની તસવીરો સામે આવી છે. જેમાં સફેદ રંગનું ડ્રોન દેખાય છે. જેનો પાછળનો ભાગ અને પાંખો અંગ્રેજી મૂળાક્ષરના ‘X’ અક્ષરના આકારમાં છે. તસવીરોમાં, ડ્રોન કથિત રીતે દક્ષિણ કોરિયાની મુખ્ય યુદ્ધ ટેન્ક K-2ને નષ્ટ કરતું જોવા મળે છે.
હાલમાં, મોટાભાગના લડાયક ડ્રોન લક્ષ્યથી દૂર રહે છે અને મિસાઇલોથી હુમલો કરે છે. સરકારી મીડિયા અનુસાર, આ ટેસ્ટ શનિવારે યોજાયો હતો. આ પરીક્ષણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે યુએસ અને દક્ષિણ કોરિયાની સેનાઓ સંયુક્ત ક્ષમતાઓ વધારવા માટે મોટા પાયે દાવપેચ ચલાવી રહી છે. આ કવાયતનો હેતુ ઉત્તર કોરિયાના વધતા પરમાણુ જોખમો સામે રક્ષણ આપવાનો છે. બંને દેશોએ કહ્યું કે ગુરુવાર સુધી ચાલનારી આ કવાયતનો હેતુ ઉત્તર કોરિયાના વિવિધ ખતરા સામે પોતાની તૈયારી વધારવાનો છે.
ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન એજન્સીએ જણાવ્યું હતું કે શનિવારના પરીક્ષણમાં વિવિધ પ્રકારના ડ્રોન સામેલ છે, જે જમીન અને સમુદ્ર પર દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરવા માટે અલગ-અલગ અંતર પર ઉડવા માટે રચાયેલ છે. તેમણે કહ્યું કે ડ્રોન લક્ષ્યોને ચોક્કસ રીતે ફટકારતા પહેલા અલગ-અલગ માર્ગો પર ઉડાન ભરી હતી.
કિમ જોંગ ઉને કહ્યું કે સૈન્ય તકનીકો અને આધુનિક યુદ્ધના વૈશ્વિક વલણો યુદ્ધમાં ડ્રોનનું મહત્વ દર્શાવે છે અને ઉત્તર કોરિયાની સૈન્યને શક્ય તેટલી વહેલી તકે વધુ સારા ડ્રોનથી સજ્જ કરવું જોઈએ. KCNAએ જણાવ્યું હતું કે કિમે વિવિધ પ્રણાલીઓના ઝડપી વિકાસ અને ઉત્પાદન માટે હાકલ કરી હતી. જેમાં ‘આત્મઘાતી ડ્રોન’ પણ સામેલ છે, જેનો ઉપયોગ પાયદળ અને સ્પેશિયલ ઓપરેશન યુનિટ દ્વારા કરી શકાય છે.