ઇન્ડોનેશિયાઃ કૂદરત જ્યારે રુઠે ત્યારે કેવી તબાહી મચાવે તેના તાજા દ્રશ્યો ઈન્ડોનેશિયામાં જોવા મળી રહ્યા છે. ઈન્ડોનેશિયામાં આવેલા ભારે વરસાદે તબાહી સર્જી છે. દેશનાં પૂર્વ ભાગમાં ભારે વરસાદનાં કારણે જમીન ખસકી જવી અને પૂરનાં કારણે 44 લોકોનાં મોત થયાનાં અહેવાલ મળી રહ્યા છે, તો અનેક લોકો બેઘર પણ થયા છે.
સમાચાર એજન્સી એએફપીનાં જણાવ્યા અનુસાર અનેક લોકો લાપત્તા થઈ ગયા છે. નેશનલ ડિઝાસ્ટર એન્ડ પ્રિવેન્સન સેન્ટરનાં જણાવ્યા પ્રમાણે નૂસા તેન્ગરા પ્રાંતનાં ફ્લોરન્સ દ્વિપનાં લમેનેલે ગામનાં 50 ઘર પર પહાડ પરથી મોટા પાયા પર કાટમાળ આવી પડ્યો અને પછી આ મોટી ઘટના ઘટી ગઈ.
રાહત અને બચાવ કામમાં જોતરાયેલા જવાનોએ અત્યાર સુધીમાં 38 લાશને બહાર કાઢી છે. પાંચ લોકો ઘાયલ બતાવવામાં આવી રહ્યા છે. ઓયાંગ બયાંગ ગામમાં પૂરનાં પાણીનાં કારણે વહી ગયેલા ત્રણ લોકોની લાશ પણ મળી આવી છે. આ ગામનાં 40 ઘર પૂરી રીતે બરબાદ થઈ ગયા છે.
બીજા એક અન્ય ગામ વૈબુરાકમાં વરસાદ પછી પૂર આવી ગયું જેમાં 4 લોકો ઘાયલ થયા જ્યારે બીજા લોકો લાપત્તા થઈ ગયા હતા. પૂરનું પાણી પૂર્વી ફ્લોરેન્સ જિલ્લાનાં મોટા હિસ્સામાં ઘૂસી આવ્યા હતા જેમાં સેંકડો લોકોનાં ઘર ડુબી ગયા અને કેટલાકતો પાણીનાં વહેણમાં જ તણાઈ ગયા.
હાલમાં રાહક અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિજળી કપાઈ જવા સાથે રોડ પર જમા થઈ ગયેલા હજારો ટનનાં કાટમાળને હટાવવા માટે મુશ્કેલી આવી રહી છે. રાહત અને બચાવમાં સ્થાનિક પોલીસ સહિત સૈન્યનાં જવાનો પણ કામે લાગ્યા છે.
લોકોને આશ્રય સ્થળ પર ખસેડવામાં આવી રહ્યા છે. તેન્ગરા પ્રાંતનાં પડોશી પ્રાંત પશ્ચિમ નૂસા તેન્ગરાનાં બીમા શહેરમાં મોટા પાયા પર પૂર આવ્યું છે. આ પૂરને લઈને 10 હજાર લોકોએ પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે.