નવી દિલ્હી : પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મુસ્લિમ સમુદાયના સભ્યોએ હિન્દુ મંદિર પર હુમલો કર્યો, તેના કેટલાક ભાગોને આગ લગાવી અને મૂર્તિઓની તોડફોડ કરી. જ્યારે પોલીસ ટોળાને રોકવામાં નિષ્ફળ ગઈ ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાકિસ્તાન રેન્જર્સના જવાનોને બોલાવવામાં આવ્યા.
કેટલાક લોકોની ઉશ્કેરણી પર ટોળાએ મંદિર પર હુમલો કર્યો
પોલીસે જણાવ્યું કે, રહિમ યાર ખાન જિલ્લાના ભોંગ શહેરમાં બુધવારે ટોળાએ એક હિન્દુ મંદિર પર હુમલો કર્યો હતો. આ સ્થળ લાહોરથી આશરે 590 કિલોમીટર દૂર છે અને અહેવાલ હતો કે મદરેસાની અપવિત્રતાની ઘટના બાદ ટોળાએ કેટલાક લોકોની ઉશ્કેરણીથી આ ઘટનાને અંજામ આપ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આઠ વર્ષના હિન્દુ છોકરાએ ગયા અઠવાડિયે આ વિસ્તારની એક મદરેસાની લાઇબ્રેરીમાં પેશાબ કર્યા બાદ ભોંગમાં તણાવ ફેલાયો હતો. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો દાયકાઓથી આ વિસ્તારમાં શાંતિથી રહે છે.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સાંસદ ડો.રમેશ કુમાર વાંકવાણીએ બુધવારે ટ્વિટર પર મંદિર હુમલાના વીડિયો શેર કર્યા હતા અને કાયદા અમલીકરણ એજન્સીઓને આગ્રહ કર્યો હતો કે “આગચંપી અને તોડફોડ” અટકાવવા માટે વહેલી તકે સ્થળની મુલાકાત લો. તેમણે આ ઘટનાને લઈને અનેક ટ્વીટ કર્યા હતા. આમાં તેમણે કહ્યું કે, “રહીમ યાર ખાન જિલ્લાના ભોંગ નગરમાં એક હિન્દુ મંદિર પર હુમલો. ગઈકાલે પરિસ્થિતિ ઘણી તંગ હતી. સ્થાનિક પોલીસની શરમજનક બેદરકારી. હું ચીફ જસ્ટિસને વિનંતી કરું છું કે તેઓ પગલાં લે. ”
હિન્દુ મંદિરની આસપાસ રેન્જર્સ તૈનાત
રહીમ યાર ખાનના જિલ્લા પોલીસ અધિકારી (DPO) અસદ સરફરાઝના જણાવ્યા અનુસાર, કાયદા અમલીકરણ એજન્સીઓએ પરિસ્થિતિને કાબૂમાં લીધી છે અને ભીડને વિખેરી નાખી છે. તેમણે કહ્યું કે, “હિન્દુ મંદિરની આસપાસ રેન્જર્સને બોલાવવામાં આવ્યા હતા અને તૈનાત કરવામાં આવ્યા હતા.” ડીપીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં લગભગ 100 હિન્દુ પરિવારો રહે છે અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ ટાળવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે. આ ઘટના સંદર્ભે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેમણે કહ્યું, “અમારી પ્રથમ પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા પુન:સ્થાપિત કરવાની અને લઘુમતી સમુદાયને સુરક્ષા આપવાની છે.” અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે મંદિરને ખરાબ રીતે નુકસાન થયું છે. “હુમલાખોરો પાસે લાકડીઓ, પથ્થરો અને ઇંટો હતા. ભીડે ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા મૂર્તિઓની તોડફોડ કરી હતી. મંદિરનો એક ભાગ બળી ગયો હતો.
સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને લોકોને ઉશ્કેર્યા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આઠ વર્ષના છોકરાએ, જેણે કથિત રીતે લાઇબ્રેરીનું અપમાન કર્યું હતું, તેની નિંદાનો કેસ નોંધ્યા બાદ ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. તે સગીર હોવાથી તેને બાદમાં જામીન પર છોડવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે બુધવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને ભોંગના લોકોને ઘટનાનો બદલો લેવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા, ત્યારબાદ મંદિરની બહાર એક ટોળું ભેગું થવા લાગ્યું હતું અને બાદમાં તેમના પર હુમલો કર્યો હતો. સરફરાઝે કહ્યું કે, અમે એવા બદમાશોની ધરપકડ કરીશું જે લોકોને મંદિર પર હુમલો કરવા માટે ઉશ્કેરે છે.