Lebanon: 60 દિવસ પૂરા થયા, હવે ઈઝરાયલને પરત ફરવું પડશે’, યુદ્ધવિરામ પર હિઝબુલ્લાહ નેતાનું નિવેદન
Lebanon: ઇઝરાયલે શુક્રવારે (24 જાન્યુઆરી) જાહેરાત કરી કે લેબનાની જૂથ સાથે યુદ્ધવિરામ કરાર મુજબ નક્કી કરાયેલા 60 દિવસ પુરા થયા હોવા છતાં તેની સેનાની તાત્કાલિક વાપસી શક્ય નથી.
હિઝબુલ્લાહના વરિષ્ઠ નેતા નૈમ કાસિમે દક્ષિણ લેબનાનમાંથી ઈઝરાયલી સેનાની વાપસી પર ભાર મૂકતા કહ્યું કે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ છે અને હવે આ સમયગાળાના કોઈ પણ વિસ્તરણને સહન નહીં કરવામાં આવે. પોતાના રેકોર્ડેડ ટેલિવિઝન સંબોધનમાં કાસિમે જણાવ્યું, “ઇઝરાયલને પરત ફરવું જ પડશે કારણ કે 60 દિવસની નક્કી સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. હવે અમે સમયવધારાની કોઈ દલીલ સ્વીકારવાના નથી.”
ઇઝરાયલનું આરોપ — શરતોનું પાલન ન થયું
ઇઝરાયલનું કહેવું છે કે લેબનાન તરફથી યુદ્ધવિરામ કરારની શરતોનું સંપૂર્ણ પાલન થયું નથી, જેના કારણે સેનાની વાપસીમાં અવરોધ ઊભા થઈ રહ્યા છે.
અમેરિકા દ્વારા સમયમર્યાદામાં વિસ્તરણની જાહેરાત
રવિવારે (26 જાન્યુઆરી, 2025) અમેરિકાએ જાહેરાત કરી કે લેબનાન અને ઇઝરાયલ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર હવે 18 ફેબ્રુઆરી, 2025 સુધી અમલમાં રહેશે. આ અગાઉ નક્કી થયેલી સમયમર્યાદા 26 જાન્યુઆરી હતી.
આ અંગે હિઝબુલ્લાહ નેતાએ જણાવ્યું કે તેમને માહિતી મળી છે કે વોશિંગ્ટને પ્રથમ લેબનાન માટે યુદ્ધવિરામનો સમયગાળો 28 ફેબ્રુઆરી, 2025 સુધી વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ લેબનાને તેને નકારી દીધો હતો.
લેબનાનના કાર્યકારી પ્રધાનમંત્રીનું નિવેદન
મીડિયા રિપોર્ટ્સ મુજબ લેબનાનના કાર્યકારી પ્રધાનમંત્રી નજીબ મિકાતીએ અમેરિકાના રાજદૂત લિસા જૉનસન સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું કે દેશે 18 ફેબ્રુઆરી, 2025 સુધી ઇઝરાયલ સાથે યુદ્ધવિરામ કરારનું પાલન કરવા સહમતી વ્યક્ત કરી છે.