Israel-Iran:સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને રવિવારે યુરોપિયન યુનિયન પાસે માંગ કરી છે કે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવે.
Israel-Iran વચ્ચે ચાલી રહેલા તણાવમાં પશ્ચિમી દેશો ઈઝરાયલને અલગ-અલગ રીતે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકા ઈરાન પર પ્રતિબંધોનો વ્યાપ વધારી રહ્યું છે ત્યારે સ્વીડનના વડાપ્રધાને ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી છે.
સ્વીડનના વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસને રવિવારે યુરોપિયન યુનિયન પાસે ઇરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC)ને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ કરી હતી. ક્રિસ્ટરસને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે સ્વીડન અન્ય EU દેશો સાથે IRGC સંબંધિત ગંભીર ચિંતાઓ વિશે વાત કરે. જેમાં મધ્ય પૂર્વમાં તેમની વિનાશક ભૂમિકા અને યુરોપના વિવિધ દેશોમાં તેમની વધતી જતી કાર્યવાહીનો સમાવેશ થાય છે.
ઈયુને આતંકવાદી સંગઠન જાહેર કરવાની માંગ
એક્સપ્રેસેનના એક અહેવાલ મુજબ, સ્વીડિશ પીએમએ કહ્યું કે IRGCને રોકવાનો એકમાત્ર રસ્તો EU માટે IRGCને આતંકવાદી સંગઠન જાહેર કરવાનો છે, જેથી અમે તેની સામે પહેલાથી જ લગાવેલા પ્રતિબંધો કરતાં વધુ વ્યાપક રીતે કાર્યવાહી કરી શકીએ .
સ્વીડિશ-ઈરાની હબીબ ચાબ (અસદ)ને ફાંસી આપ્યા બાદ, સ્વીડિશ સંસદે મે 2023માં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવા માટે મતદાન કર્યું હતું. હવે સ્વીડનના વડા પ્રધાને યુરોપિયન યુનિયન સાથે ફરીથી આ માંગણીનો પુનરોચ્ચાર કર્યો છે.
માંગ પહેલાથી જ વધી છે.
જાન્યુઆરી 2024 માં, યુરોપિયન સંસદે ઈરાનમાં વિરોધ પ્રદર્શનના દમન અને યુક્રેન યુદ્ધમાં રશિયાને મદદ કરવાના આરોપોને પગલે IRGCને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરવા માટે EUને ભલામણ કરી હતી.
EU વિદેશ નીતિના વડા જોસેપ બોરેલે 23 જાન્યુઆરીએ બ્રસેલ્સમાં જણાવ્યું હતું કે EU સંગઠનને આતંકવાદની યાદીમાં ન મૂકી શકે તેના કાનૂની કારણો છે. આ એવી બાબત છે જે કોર્ટ વગર નક્કી કરી શકાતી નથી, આ યાદીમાં IRGC લાવવા માટે આપણે પહેલા કોર્ટના નિર્ણયની રાહ જોવી પડશે.
IRGC ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ
ઈરાને 1979ની ઈસ્લામિક ક્રાંતિ પછી ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની રચના કરી. તેને ઈરાનની સેના કરતા વધુ શક્તિશાળી માનવામાં આવે છે, IRGCની રચના ઈસ્લામિક ક્રાંતિને બચાવવા અને તેની વિચારધારાને સમગ્ર વિશ્વમાં ફેલાવવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી છે. જેનું નેતૃત્વ ઈરાનના સુપ્રીમ લીડરના હાથમાં છે.
પશ્ચિમી દેશોનો આરોપ છે કે IRGC ઈરાન સમર્થિત મિલિશિયાઓને તાલીમ અને નાણાં પૂરા પાડે છે, તેમજ વિશ્વભરમાં મિશન ચલાવે છે.