‘Gold mine’ found on Mars મંગળ પર ‘સોનાની ખાણ’ જેવી શોધ! નાસાના રોવરે ખોલ્યા અબજ વર્ષ જૂના રહસ્યો
‘Gold mine’ found on Mars મંગળ ગ્રહ પર નાસાના પર્સિવરન્સ રોવરે એવુ કંઈક શોધી કાઢ્યું છે, જે વૈજ્ઞાનિક જગતને અચંબિત કરી ગયું છે. “વિચ હેઝલ હિલ” નામના ક્ષેત્રમાં રોવરને એવા ખાસ પ્રકારના ખડકો મળ્યા છે, જે પહેલાં ક્યારેય મંગળ પર જોવા મળ્યા ન હતા. આ ખડકો માત્ર અદ્વિતીય જ નથી, પરંતુ તેમનાં ભૌતિક અને રાસાયણિક લક્ષણો ખૂબ જ રહસ્યમય છે, જે મંગળના ભૂગર્ભીય ઈતિહાસ અંગે નવું દર્શન આપે છે.
છેલ્લા ચાર મહિનાની અંદર પર્સિવરન્સ રોવરે અહીંથી પાંચ નમૂનાઓ એકત્રિત કર્યા છે, સાત વિવિધ ખડકોનું વિશ્લેષણ કર્યું છે અને લેસરથી 83 વખત પરીક્ષણ કર્યું છે. આ મિશન અત્યાર સુધીનું મંગળ પરનું સૌથી વ્યાપક વૈજ્ઞાનિક અભિયાન સાબિત થયું છે.
વિજ્ઞાનીઓ કહે છે કે આ ખડકો લગભગ 3.9 અબજ વર્ષ જૂના છે—એ સમયગાળો જ્યારે મંગળ પર જ્વાળામુખી સક્રિયતા, ઉલ્કાવર્ષા અને કદાચ પ્રવાહી પાણીનું અસ્તિત્વ પણ હતું. આવી પરિસ્થિતિઓએ આ પ્રાચીન ખડકોને સપાટી પર લાવી દીધા હશે, જેના કારણે વૈજ્ઞાનિકોને ગ્રહના આંતરિક સ્તરો અંગે અધ્યયન કરવાની અદભૂત તક મળી છે.
એક નમૂનામાં ‘સર્પેન્ટાઇન’ નામનો ખનિજ મળ્યો છે, જે દર્શાવે છે કે પાણી અને ખડકો વચ્ચે રાસાયણિક ક્રિયાઓ થઈ હતી. આવી પ્રક્રિયાઓ હાઈડ્રોજન ગેસ ઉત્પન્ન કરે છે—સૂક્ષ્મસજીવો માટે શક્તિશાળી ઊર્જાસ્ત્રોત. જોકે, હજુ સુધી મંગળ પર જીવનું કોઈ સીધું સાક્ષ્ય મળ્યું નથી.
પર્સિવરન્સે ‘ગ્રીન ગાર્ડન્સ’ નામનો એક ખાસ નમૂનો પણ એકત્રિત કર્યો છે, જેને ભવિષ્યમાં પૃથ્વી પર લાવવા માટેની યોજના છે. જોકે, નાસાનું નમૂનાઓ પાછા લાવવાનું મિશન ખર્ચમાં વધારો અને ટેક્નિકલ પડકારોને કારણે 2040 કે તેનાથી પણ પાછળ ધકેલાઈ શકે છે. ત્યાં સુધી, આ અમૂલ્ય ખજાનો મંગળની જમીનમાં જ સંભાળેલી રહેશે.