વિશ્વભરમાં બરફાચ્છાદિત પર્વતો ઘટી રહ્યાં છે, જો કે વિશ્વના સૌથી મોટા ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં પીગળતા બરફને લઈને વૈજ્ઞાનિકો ચિંતિત બન્યા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો ગ્રીનલેન્ડનો બરફ પીગળી ગયો તો દુનિયાભરના સમુદ્રોનું જળસ્તર 20 ફૂટ જેટલું વધી જશે અને જો એવું બન્યું તો દરિયાકાંઠાના અનેક શહેરો જળમગ્ન બની જશે.દુનિયાના સૌથી મોટો ટાપુ ગણાતા ગ્રીનલેન્ડમાં હજારો વર્ષોથી સેંકડો કિલોમીટર સુધી બરફની મોટી ચાદર પથરાયેલી છે. પરંતુ હવે ક્લાયમેટ ચેન્જના કારણે એના પર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. ગ્રીનલેન્ડમાં છેલ્લાં થોડા વર્ષોથી રેકોર્ડ ગરમી પડી રહી છે જેના કારણે બહુ મોટી માત્રામાં બરફ પીગળી રહ્યો છે. જે રીતે હાલ ગ્રીનલેન્ડમાં બરફ પીગળી રહ્યો છે તે જોતા આ સદી પૂરી થતા સુધીમાં માત્ર ગ્રીનલેન્ડમાં પીગળતા બરફના કારણે જ સમુદ્રોની સપાટી ત્રણથી ચાર ફૂટ જેટલી વધી જશે. સમુદ્રોની સપાટીમાં થનારો આટલો મોટો વધારો દુનિયાના અનેક ભાગોને ડૂબાડી શકે છે.ઉત્તર એશિયા, મધ્ય યુરોપ અને સ્કેન્ડિનેવિયન દેશોમાં રહેલા ૮૦ ટકા ગ્લેશિયર વર્ષ ૨૧૦૦ સુધીમાં પીગળી જશે. સ્વિત્ઝર્લેન્ડ વિશેના એક રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જન પર કાબુ ન મેળવવામાં આવ્યો તો આલ્પ્સ પર્વતોમાં રહેલા ૯૦ ટકા ગ્લેશિયર આ સદીના અંત સુધીમાં પીગળી જશે. આ જ સ્થિતિ દક્ષિણ અમેરિકાની એન્ડિઝ પર્વતમાળા અને આફ્રિકાની પણ છે.ગ્લોબલ વોર્મિંગના કારણે સમુદ્રની સપાટી વધી રહી છે એ તો જાણીતી વાત છે પરંતુ વૈજ્ઞાનિકોએ જે અંદાજ માંડયો તેનાથી વધુ ઝડપે દુનિયાભરના સમુદ્રોની સપાટી વધી રહી છે. એવી ધારણા હતી કે આ સદીના મધ્ય ભાગ સુધીમાં સમુદ્રના વધતા જળસ્તરના કારણે ભારતને પણ અસર થશે અને ભારતના દરિયા કિનારાના કેટલાંક પ્રદેશો જળગરકાવ થઇ જશે.પીગળતા ગ્લેશિયરોના કારણે દરિયાની સપાટી તો વધે જ છે, સાથે સાથે દરિયાકાંઠાનું ક્ષરણ પણ થાય છે. સમુદ્રોના વધી રહેલા તાપમાનના કારણે સમુદ્રી વાવાઝોડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. પીગળતા ગ્લેશિયરોના કારણે મહાસાગરોના પ્રવાહો બદલાય છે જેનાં કારણે દુનિયાભરનું ઋતુચક્ર પણ બદલાઇ રહ્યું છે. પરિસ્થિતિ પણ ગંભીર બની રહી છે. જો ગ્રીન હાઉસ ગેસોનો ઉપયોગ આજે બંધ કરી દેવામાં આવે તો પણ પરિસ્થિતિ સામાન્ય થતાં 200 વર્ષ લાગી જાય એમ છે. ત્યારે ધરતીને બચાવવાનો સમય હવે આવી ગયો છે અને હવે એમાં વિલંબ થયો તો આપણું અસ્તિત્ત્વ નાબૂદ થવામાં વધારે સમય નહીં લાગે. તે વાત ચોક્કસ છે.
