કરાચીઃ પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે પાકિસ્તાન દૂતવાસના તમામ ફ્રાન્સીસી નાગરિકોને પરત બોલાવી લેવા આદેશ આપી દીધો છે. પાકિસ્તાનમાં રહેલા ફ્રાંસિસ નાગરિકો તેમજ કંપનીઑને ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી હિંસક પ્રદર્શનોને લઈને ફ્રાંસ સરકારે આ આદેશ જારી કર્યો છે.
ફ્રાન્સે તેમના દેશના નાગરિકો અને કંપનીઓને સલાહ આપી છે કે તેઓ દેશમાં ફ્રેન્ચ હિત માટે ગંભીર ખતરો હોવાથી તેમણે અસ્થાયીરૂપે પાકિસ્તાન છોડવું જોઈએ. ફ્રેન્ચ દૂતાવાસે એક ઇમેઇલમાં કહ્યું છે કે તેમના પર ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે, જેથી પાકિસ્તાનના કોઈપણ ભાગમાં રહેતા એક ફ્રેન્ચ નાગરિકે તાત્કાલિક બીજા દેશ માટે રવાના થવું જોઈએ.
પાકિસ્તાનના ઘણા શહેરોમાં આજકાલ ફ્રાંસ સાથે રાજદ્વારી સંબંધોને તોડવા માટે કટ્ટરપંથી સંગઠનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગુરુવારે રાજદ્વારી સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. નોંધનીય છે કે, આ અઠવાડિયામાં દેશમાં હિંસક અથડામણ થઈ હતી.
ફ્રાન્સના રાજદૂતને દેશમાંથી હટાવવાની માંગ માટે તેહરીક-એ-લબ્બેકે સડકો પર મેદની એકઠી કરી લીધી હતી. ફ્રેન્ચ મેગેઝિન ‘ચાર્લી હેબ્દો’માં પ્રકાશિત મોહમ્મદ સાહેબના વિવાદિત કાર્ટૂનને કારણે પાકિસ્તાનના કટ્ટરવાદીઓમાં આ ગુસ્સો છે. તમને જણાવી દઇએ કે ઇસ્લામિક આતંકવાદ અંગે ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નિવેદન અંગે પાકિસ્તાની સંસદમાં નિંદા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો છે.
કટ્ટરવાદી સંગઠન તહરિક-એ-લબ્બેક પાકિસ્તાન (TLP)ના વડા સાદ રિઝવીની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમની સંસ્થા પર પણ હિંસા ફેલાવવાના આરોપમાં આતંકવાદ અધિનિયમ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં સાદ રિઝવીની રજૂઆતને લઈને હજારો લોકો પાકિસ્તાનના ઘણા શહેરોમાં રસ્તા પર ઉતરી આવ્યા છે.
ટીએલપી નેતા સાદ રિઝવીના સમર્થકો સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે કે તેઓ દેશના બદનામી કાયદાને રદ ન કરે. પક્ષ ઈચ્છે છે કે સરકાર ફ્રેન્ચ ચીજોનો બહિષ્કાર કરે અને ફ્રેન્ચ રાજદૂતને ફેબ્રુઆરીમાં રિઝવીની પાર્ટી સાથે કરાયેલા કરાર હેઠળ દેશની બહાર લાવે.