Earthquake in Turkey ઇસ્તાંબુલમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ: હજારો ઘરો ખાલી, લોકો ચીસો પાડી રસ્તાઓ પર દોડી આવ્યા
Earthquake in Turkey બુધવારે, 23 એપ્રિલ, 2025ના રોજ તુર્કીના ઇસ્તાંબુલ શહેરમાં એક ભારે ભૂકંપ નોંધાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.2 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મારમારાના સમુદ્રમાં, ઇસ્તાંબુલથી લગભગ 40 કિલોમીટર દક્ષિણપશ્ચિમે સ્થિત હતું. યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર, ભૂકંપ માત્ર 10 કિ.મી. ની ઊંડાઈએ આવ્યો હતો, જેના કારણે તેની અસર વધુ તીવ્ર રહી.
ભૂકંપના આંચકાથી સમગ્ર શહેર ધ્રુજી ઊઠ્યું. હજારો ઇમારતો ખાલી કરાવાઈ ગઈ. લોકો ઘરની બહાર ચીસો પાડી દોડી આવ્યા અને રસ્તાઓ પર ઘબરાયેલા લોકોની ભીડ જોવા મળી. હાલ સુધીમાં કોઈ મોટી જાનહાનીની માહિતી મળી નથી, પરંતુ અનેક વિસ્તારોએ ધીરજ ગુમાવી દીધી હતી. સત્તાવાર માહિતી મુજબ, ભૂકંપ બાદ પણ 5.3 તીવ્રતાના આફ્ટરશોક્સ અનુભવાયા છે.
તુર્કીની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી AFADએ જણાવ્યું કે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. તુર્કમેનિસ્તાનના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “સિલિવરી વિસ્તારમાં આવેલા ભૂકંપે અનેક પ્રાંતોને અસર આપી છે. ઇમરજન્સી ટીમો ઘટનાસ્થળે કાર્યરત છે.”
આ ભૂકંપની અસર ફક્ત તુર્કી સુધી મર્યાદિત રહી નહોતી. તેના આંચકા બલ્ગેરિયા, ગ્રીસ અને રોમાનિયા સુધી પણ અનુભવાયા હતા. તુરંતજ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો પોતાની સુરક્ષા માટે ખુલ્લા સ્થળો તરફ દોડી ગયા.
તુર્કી ભૂકંપ સંવેદનશીલ પ્રદેશ છે. દેશ બે મુખ્ય ટેક્ટોનિક ફોલ્ટ લાઇન – ઉત્તર એનાટોલીયન અને પૂર્વીય એનાટોલીયન ફોલ્ટ પર વસેલું છે, જેના કારણે અહીં વારંવાર ભૂકંપ આવતા રહે છે. 2023માં આવેલા 7.8 તીવ્રતાના ભૂકંપે દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં વિનાશ લાવ્યો હતો, જેમાં હજારો લોકોના પ્રાણ ગયા હતા.
તાજા ઘટનાએ ફરી એકવાર તુર્કીના ભૂકંપ પ્રબંધન અને સહાય વ્યવસ્થાની ચકાસણી કરાવી છે. સત્તાવાર તંત્રોએ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.