Canada: કેનેડા સહિતના દેશોમાં ભારે કઠણાઈ છતાં ભારતીયોનો વિદેશનો ક્રેઝ ઘટતો નથી
- તાજેતરમાં કેનેડામાં વેઈટરની નોકરી માટે 3000 ભારતીયો લાઈનમાં લાગ્યાનો દાવો
- કેનેડા જનારા ભારતીયોની સંખ્યામાં 2013ની સરખામણીએ ચાર ગણો વધારો થયો
- ન્યુઝીલેન્ડે તાજેતરમાં તેની વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેના કારણે હવે આ દેશમાં જવા માટે લોકોએ લગભગ 60 ટકા વધુ વિઝા ફી ચૂકવવી પડશે
Canada: ભારતીયોમાં વિદેશનો ક્રેઝ ખૂબજ વધી રહ્યો છે એવામાં વિદેશ જતા ભારતીયો માટે ત્યાં કેટલી મુશ્કેલ સ્થિતિ છે તે તાજેતરમાં સામે આવેલા અહેવાલો પરથી જાણવા મળે છે. એક બાજુ એવા સમાચાર છે કે કેનેડામાં રોજગારીને લઈને ખુબજ કપરી સ્થિતિ છે અને લગભગ 3000 ભારતીયો વેઈટરની નોકરી માટે લાઈનમાં લાગ્યાનો દાવો કરાયો છે જ્યારે બીજી તરફ ન્યૂઝિલેન્ડે તાજેતરમાં તેની વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેના કારણે હવે આ દેશમાં જવા માટે લોકોએ લગભગ 60 ટકા વધુ વિઝા ફી ચૂકવવી પડશે. આ કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રવાસીઓએ પણ વધુ નાણાં ખર્ચવા પડશે. આતમામ છતાં વર્ષ 2013થી કેનેડા જનારા ભારતીયોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. કેનેડા જતા ભારતીય લોકોની સંખ્યા 32,828 થી વધીને 139,715 થઈ ગઈ છે.
અભ્યાસની સાથે કમાણીની લાલચ
અમેરિકા અને Canadaમાં અભ્યાસ કરવાની સાથે ડોલરમાં કમાણી કરવાની આશાએ હજારો ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા અથવા Canadaના વિઝા મેળવે છે. ગુજરાત સહિત ભારતમાં હજારો માતા-પિતા દેવું કરીને પણ તેમના સંતાનોને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલે છે. આવા સમયે અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેનેડાના બ્રામ્પ્ટનમાં એક નવી હોટેલની બહાર સેંકડો ભારતીય વિદ્યાર્થીઓની લાઈન લાગી છે. આ વિદ્યાર્થીઓ કેનેડામાં વેઈટર અને ડીશ ધોવાની નોકરી માટે લાઈનમાં લાગ્યા છે. આ વીડિયો ભારતીયો માટે આંખ ઉઘાડનારો છે. આ વીડિયોની સત્યતાની પુષ્ટી થઈ શકી નથી, પરંતુ લાખોની કમાણીના સપના જોઈને કેનેડા જઈ રહેલા ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની રહી છે.
વેઈટર-નોકરની નોકરી માટે 3000થી વધુ અરજી
કેનેડાની એક રેસ્ટોરન્ટમાં વેઇટર અને નોકરની નોકરી માટે લાંબી લાઇન લાગી છે. બે દિવસમાં 3000 થી વધારે લોકોએ અરજી કરી હોવાનું માનવામાં આવે છે. આ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળમાં વધતી બેકારીની તરફ ઇશારો કરે છે. આ ઉપરાંત આ બાબત એ ભારતીયો માટે ચિંતાજનક છે જે ભણવા અથવા નોકરી મેળવવા કેનેડા જવાના સ્વપ્ન જોઇ રહ્યાં છે કારણકે વેઇટર અને નોકરની નોકરી માટે લાગેલી લાંબી લાઇનમાં મોટા ભાગના ભારતીયો છે.
બ્રૈમ્પટનની રેસ્ટોરન્ટનો વીડિયો વાયરલ
કેનેડાના બ્રૈમ્પટનમાં આવેલ રેસ્ટોરન્ટ તંદુરી ફલેમમાં વેઇટર અને નોકરની નોકરી માટે ભરતી શરૂ કરી દીધી છે. રેસ્ટોરન્ટના એક્ઝિક્યુટીવ મેનેજર ઇન્દીપ કૌરે એક મીડિયા ચેનલને જણાવ્યું હતું કે અમને લાગે છે કે બે દિવસમાં 3000 ઉમેદવારો ઇન્ટરવ્યુ માટે આવી શકે છે. કારણકે પહેલા દિવસે પણ ખૂબ જ ભીડ અને લાંબી લાઇન હતી. ઇન્ટરવ્યુ માટે આવેલા લોકોમાં મોટા ભાગે ભારતીયો હતાં.
કેનેડાએ સ્ટૂડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કર્યો
કેનેડાએ તાજેતરમાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ વિઝામાં 35 ટકાનો ઘટાડો કર્યો છે. જેમાં આગામી વર્ષે વધુ 10 ટકાનો ઘટાડો થઇ શકે છે. ટ્રુડો સરકાર 2025માં 437000 સ્ટડી પરમિટ જારી કરવાની યોજના બનાવી રહી છે. જે 2024માં જારી થનાર 485000 પરમિટથી 10 ઓછી છે.
કેનેડામાં ભારતીયોની સંખ્યામાં વધારો
ભલે ભારત અને કેનેડાના સંબંધોમાં હાલ થોડી ખટાશ આવી ગઈ હોય, પરંતુ ભારતીયોને સૌથી વધુ પસંદ તો કેનેડા જ છે. વર્ષ 2013થી કેનેડા જનારા ભારતીયોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસીએ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2013થી 2023 સુધીમાં કેનેડામાં ભારતીય લોકોની સંખ્યા 32,828 થી વધીને 139,715 થઈ ગઈ છે, જે 10 વર્ષના સમયગાળામાં 326 ટકાનો વધારો દર્શાવે છે.
કેનેડામાં આતંરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો
અમેરિકન યુનિવર્સીટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનાં રજિસ્ટ્રેશનમાં વર્ષ 2016 થી 2019 વચ્ચે 5.6 ટકાનો ઘટાડો થયો, જયારે કેનેડાની યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન 51.6 ટકા વધ્યું. આનું મુખ્ય કારણ અમેરિકામાં એચ-1બી વિઝા છે, કારણ કે આને મેળવવામાં મુશ્કેલી થાય છે, જયારે કેનેડામાં અસ્થાયી સ્ટેટસ સરળતાથી મળી જાય છે. ગયા વર્ષે જુલાઈમાં કેનેડાએ એક રેકોર્ડ પણ બનાવ્યો હતો. એચ-1બી વિઝા ધારકોનો આંકડો 48 કલાકમાં જ 10,000 ની લિમિટ સુધી પહોંચી ગયો હતો. કેનેડાની યુનિવર્સીટી માત્ર ભારતીયો વિદ્યાર્થીઓ સુધી જ સીમિત નથી, પણ વર્ષ 2000થી 2021 વચ્ચે કેનેડાની સ્કૂલોમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 544 ટકાનો વધારો થયો છે, જે 62,223થી વધીને 400,521 થઈ ગઈ છે.
એચ-1બી વિઝા ધારકોને વર્ક પરમિટના નિયમોમાં છૂટછાટ
હાલમાં જ Canadaએ યુએસ એચ-1બી વિઝા ધારકોને વર્ક પરમિટ આપવાના નિયમોમાં પણ છૂટની જાહેરાત કરી હતી. ઓપન વર્ક પરમિટ કોઈ વિદેશી નાગરિકને એક નિશ્ચિત સમયગાળા માટે બીજા દેશમાં કામ કરવાની પરવાનગી આપે છે. ભારતીય લોકોમાં પણ એચ-1બી વિઝા ધારકોનો એક મોટો ભાગ છે. એચ-1બી વિઝા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં એન્ટ્રીનો એક મોટો રસ્તો છે, જે તેમને અભ્યાસની સાથે કંપની માટે કામ કરવાની પરવાનગી આપે છે,હવે કેનેડામાં છૂટ મળવાથી આનો ફાયદો પણ ઉઠાવી શકાશે.
ન્યૂઝીલેન્ડે વિઝા ફીમાં વધારો કર્યો
આ દિવસોમાં વિદેશમાં અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે. આ ઉપરાંત દેશની વધતી અર્થવ્યવસ્થા સાથે આપણો કારોબાર પણ વિશ્વના ઘણા દેશોમાં વિસ્તર્યો છે. મોટી સંખ્યામાં ભારતીય ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ પણ ન્યુઝીલેન્ડ જાય છે. પરંતુ હવે તેમના માટે આમ કરવું ઘણું મુશ્કેલ બની જશે. ન્યુઝીલેન્ડે તાજેતરમાં તેની વિઝા ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જેના કારણે હવે આ દેશમાં જવા માટે લોકોએ લગભગ 60 ટકા વધુ વિઝા ફી ચૂકવવી પડશે. આ કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પ્રવાસીઓએ પણ વધુ નાણાં ખર્ચવા પડશે. વર્ષ 2023માં ન્યુઝીલેન્ડે ભારતીયો માટે 115,008 વિઝા જારી કર્યા હતા.
સ્ટૂડેન્ટ વિઝા ફી વધીને 485 ડોલર થઈ
હાલમાં ન્યુઝીલેન્ડમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ચીન પછી બીજા ક્રમે આવે છે. વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા 17 ટકા છે. પરંતુ હવે ન્યુઝીલેન્ડમાં સ્ટુડન્ટ વિઝા ફી 300 ડોલરથી વધારીને 485 ડોલર કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર આ વધેલી વિઝા ફી 1 ઓક્ટોબરથી લાગુ થઈ ગઈ છે.
પ્રવાસી વિઝા ફી વધારીને 300 ડોલર કરાઈ
એજ્યુકેશન ન્યુઝીલેન્ડના જણાવ્યા અનુસાર ટૂરિસ્ટ વિઝા ફી પણ 190 ડોલરથી વધારીને 300 ડોલર કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની વિઝા ફી હજુ પણ ઓસ્ટ્રેલિયા અને બ્રિટન કરતા ઓછી છે. એન્ટરપ્રેન્યોર રેસિડેન્સ કેટેગરીમાં વિઝા ફી હવે 3,710 ડોલરથી વધીને 11,320 ડોલર થઈ ગઈ છે. આ ઉપરાંત એક્ટિવ ઇનવેસ્ટર કેટેગરીમાં પણ હવે 4,630 ડોલરને બદલે તમારે 12,070 ડોલર ચૂકવવા પડશે.