નિજેરઃ નાઈજીરિયામાં એક ચકચારી અકસ્માતની ઘટના બની હતી. નાઈજીરિયામાં નિજેર સ્ટેટથી કેબ્બી સ્ટેટના વારા વિસ્તાર તરફ જઈ રહેલી એક પ્રવાસી બોટ નિજેર નદીમાં ડૂબી જતાં 160 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી બોટડુબતાં બચાવ કામગીરી શરૃ કરી દેવામાં આવી હતી. સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતુ કે, બોટમાં 180 લોકો સવાર હતા, જેમાંથી ચારના મોત નીપજ્યા છે અને 156ની શોધખોળ ચાલુ છે. જ્યારે 20 વ્યક્તિઓને બચાવી લેવામાં આવ્યા છે.
નેશનલ ઈન્લેન્ડ વોટરવે ઓથોરિટીના સ્થાનિક મેનેજર યુસુફ બિરમાએ જણાવ્યું કે, ક્ષમતા કરતાં વધુ લોકોને બોટ પર બેસાડવામાં આવ્યા હતા. જેના કારણે આ અકસ્માત સર્જાયો હોય તેવી શક્યતા છે.
અમે યુદ્ધના ધોરણે લાપત્તા લોકોની શોધખોળ કરી રહ્યા છીએ. નાઈજીરિયાના પ્રમુખ મુહમ્મદ બુહારીએ કહ્યું કે, અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ છે. હું અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારો તરફ સહાનુભૂતિ વ્યક્ત કરું છું.
આફ્રિકન દેશ નાઈજીરિયામાં જળમાર્ગમાં અકસ્માતો થતાં હોય છે. મોટાભાગે ક્ષમતા કરતાં વધુ લોકોને નાવ પર બેસાડવાની સાથે સાથે અકસ્માતો માટે પ્રતિકૂળ હવામાન અને નાવની જાળવણીનો અભાવ પણ કારણભૂત હોય છે.