હોળી પછી ફાગણ મહિનાની વદ પાંચમે રંગ પંચમીનો પર્વ ઉજવાય છે. પૌરાણિક પરંપરા અનુસાર, આ દિવસે આકાશમાં રંગ ઉડાડી દેવતાઓનું સ્વાગત કરવામાં આવે છે. તેનાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે. રંગ પંચમી અનિષ્ટકારી શક્તિઓ પર જીત હાંસલ કરવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ઉત્સવ 2 એપ્રિલે મનાવવામાં આવે છે. આ પર્વ માટે કહેવાય છે કે આ દિવસે શ્રીકૃષ્ણે રાધાજી પર રંગ લગાવ્યો હતો. આ યાદમાં રગ પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે રાધાજી અને શ્રીકૃષ્ણની આરાધના કરવામાં આવે છે. આ દિવસે બરસાણામાં તેમના મંદિરમાં વિશેષ પૂજા કરાય છે. કહેવાય છે કે આ દિવસે શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસલીલા કરી હતી અને બીજા દિવસે રંગોઉત્સવ ઉજવવામાં આવે છે. રંગ પંચમી પર એકબીજાને સ્પર્શી રંગ નથી લગાડવામાં આવતો. તેમાં હવામાં ખુશીથી રંગો ઉડાડવામાં આવે છે.
આ રીતે રંગોનાં માધ્યમથી દેવતાઓનું આહવાન કરવામાં આવે છે. આમ કરતાં સમયે એવો ભાવ રાખવામાં આવે છે કે આપણે દેવતાાઓનું સ્વાગત કરવા માટે રંગકણો પાથરી રહ્યા છીએ. આ દિવસે ધરતીની ચોતરફે રહેલી નકારાત્મક તાકતો પર દેવીય શક્તિની અસર વધારે રહે છે. રંગ પંચમી પર ઉડાડેલા રંગોથી એકત્રિત થતી શક્તિના કણો ખરાબ તાકતોને નબળી કરે છે. વાયુમંડળમાં રંગ ઉડાડી અર્થાત બ્રહ્માંડમાં રહેલા દેવતા તત્વની પૂજા કરાય છે. આ દિવસ દેવતાઓને સમર્પિત કરાય છે. બ્રહ્માંડમાં રહેતા ગણપતિ, શ્રીરામ, હનુમાનજી, શિવજી, શ્રીદુર્ગા, દત્ત ભગવાન અને શ્રી કૃષ્ણ આ 7 દેવી દેવતા 7 રંગોથી જોડાયેલા છે. આ જ રીતે માણસના શરીરમાં રહેલી કુંડલિનીના 7 ચક્ર 7 રંગ અને 7 દેવતાઓ સાથે સંબંધિત છે. રંગ પંચમીએ રંગોની મદદથી 7 દેવતાઓને જાગૃત કરી પોતાની જાતને તેમનાથી જોડવાની હોય છે.