આફ્રિકી દેશ ઘાનાની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના વિરોધ બાદ મહાત્મા ગાંધીની પ્રતિમા કેમ્પસમાંથી હટાવી દીધી છે. હકીકતમાં ગાંધીજીની કથિત વંશીય ભેદભાવ અંગેની ટિપ્પણીને લઈને ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેના પગલે યુનિવર્સિટીના મેનેજમેન્ટે પ્રતિમા હટાવવા મજબૂર થવું પડયું છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ જૂન-2016માં ઘાના યુનિવર્સિટીમાં શાંતિ અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. જોકે, થોડા સમય બાદ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ગાંધીજીની પ્રતિમા હટાવવા જાહેર હિતની અરજી કરી હતી. ફરિયાદ હતી કે અશ્વેત આફ્રિકીઓને લઈને ગાંધીજીના વિચારો ખૂબ વંશીય હતા. યુનિવર્સિટીના પ્રોફેસરે ગાંધીજીએ લખેલા એક વાક્યનો આધાર લીધો હતો જેમાં ગાંધીજી દાવો કર્યો હતો કે અશ્વેત આફ્રિકીઓની તુલનામાં ભારતીય વધારે સારા છે.
વિદ્યાર્થીઓના વિરોધ વધવાના કારણે યુનિવર્સિટીએ લીગન કેમ્પસમાંથી ગાંધીજીની પ્રતિમા મંગળવારે રાત્રે હટાવી દીધી હતી. આફ્રિકન સ્ટડીઝ સંસ્થાનમાં ભાષા અને સાહિત્ય વિભાગના પ્રમુખ ઓબદીલ કાંબોને કહ્યું કે પ્રતિમા હટાવવી એ એક આત્મ-સન્માનનો મુદ્દો હતો. યુનિવર્સિટીએ આ મામલે કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.