ઇસ્લામાબાદ: પાકિસ્તાનના લશ્કરી વડા રાહિલ શરીફે એવો દાવો કર્યો છે કે જે દિવસે ભારતે પાકિસ્તાનના સાત સૈનિકોને ઠાર માર્યા હતા એ જ દિવસે એલઓસી પર પાકિસ્તાને ભારતના ૧૧ જવાનોને ઢાળી દીધા હતા. જનરલ રાહિલ શરીફે પાક. મીડિયાને આ જાણકારી રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રોગ્રામ દરમિયાન આપી હતી, જોકે ઇન્ડિયન આર્મીએ આજે આ દાવાને જુઠ્ઠો ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે ૧૪-૧પ અથવા ૧૬ નવેમ્બરે ભારતીય દળોમાં કોઇ પણ પ્રકારની ખુવારી થઇ નથી.
રાહિલ શરીફે તુર્કીના પ્રમુખના સન્માનમાં યોજવામાં આવેલા ભોજન સમારોહ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં ભારત-પાકિસ્તાનની અથડામણ અંગે આવું નિવેદન જારી કર્યું હતું. રાહિલે એવું પણ જણાવ્યું હતું કે તાજેતરની અથડામણોમાં પાકિસ્તાની દળોઅે ભારતના લગભગ ૪૪ જવાનોને ઠાર માર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ અથડામણમાં ભારત પોતાના જવાનો માર્યા ગયાની કબૂલાત કરતું નથી. ઇન્ડિયન આર્મીએ પોતાના જવાનોના મોતની વાત કબૂલ કરવાની હિંમત બતાવવી જોઇએ.
રાહિલે એવું જણાવ્યું હતું કે પાકિસ્તાન આર્મી પ્રોફેશનલ છે અને પાકિસ્તાન હંમેશાં કોઇ પણ જાતના કારણ વગર ભારત દ્વારા કરવામાં આવતા ગોળીબારનો જડબેસલાક જવાબ આપે છે.