Weather Update: ભારતના પડોશી દેશમાં ગરમીનો કહેર: તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી શકે છે, લોકોની હાલત દયનીય
Weather Update પાકિસ્તાનમાં હાલ પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે, કારણ કે અહીં ભીષણ ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવાનું શરૂ થઈ ગયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે સામાન્ય માનવશરીર માટે અત્યંત જોખમકારક છે. આ ચેતવણીથી લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.
પાકિસ્તાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના ઘણા વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 6 થી 8 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને પંજાબ, સિંધ અને બલોચિસ્તાન જેવા પ્રદેશો સૌથી વધુ અસરગ્રસ્ત છે. કેટલીક જગ્યાએ તાપમાન પહેલેથી જ 47 ડિગ્રી પાર કરી ચૂક્યું છે, અને આગામી દિવસોમાં તે વધુ ઉંચું જશે એવી શક્યતા છે.
આ અતિશય ગરમીના કારણે લોકો હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન, તથા હ્રદય અને ફેફસાં સંબંધિત ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તબીબો મુજબ, આવા તાપમાને શરીરનું નોર્મલ તાપમાન જાળવી રાખવું મુશ્કેલ બની જાય છે, જેના પરિણામે કિડની ફેઇલ્યોર અને ન્યુરોલોજિકલ ઇફેક્ટ્સ પણ જોઈ શકાય છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે આ સ્થિતિ વધુ જોખમજનક બની શકે છે.
માત્ર ગરમી જ નહીં, પરંતુ વીજળી કાપ પણ એક મોટું સમસ્યા બની રહ્યો છે. ઘણા વિસ્તારોમાં દિવસના 8 થી 12 કલાક વીજ પુરવઠો બંધ રહે છે, જેના કારણે ઠંડક માટે ફેન કે એર કન્ડીશનરનો સહારો લેવો શક્ય નથી રહ્યો. લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે, જે સ્થિતિને વધુ વિકટ બનાવી રહી છે.
સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ મોટો રાહત પ્લાન જાહેર કરવામાં આવ્યો નથી. સામાન્ય નાગરિકોએ પોતાના સ્તરે ગરમીથી બચવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમ કે ઘર બહાર ના નીકળવું, ઠંડુ પાણી પીવું અને શરીરને ઠંડુ રાખવાના ઉપાયો અપનાવા. જો તાપમાન આવી જ ગતિએ વધતું રહેશે, તો પાકિસ્તાન માટે આ ઉનાળો એક ગંભીર પરિસ્થિતિ લઈને આવી શકે છે.