Gujarat Weather ગુજરાતના ૧૨ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી: તાપમાનમાં ઘટાડો, ફરીથી ગરમીનો મોજો આવવાની શક્યતા
Gujarat Weather ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ તીવ્ર ગરમીનો માહોલ સર્જાયો હતો. જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક ફેરફાર આવ્યો છે. વરસાદી ઝાપટા પડવાથી અને ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલ નવીનતમ માહિતી મુજબ, આગામી 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શકયતા છે.
આ જિલ્લામાં વરસાદની શક્યતા
IMDના અંદાજ મુજબ, અમદાવાદ, આણંદ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કમોસમી વરસાદની શક્યતા છે. અહીંના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, જેના કારણે તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) April 12, 2025
હવામાનમાં રાહત પણ ઓછા દિવસો માટે
જોકે હવામાન વિભાગે આગામી દિવસોમાં ફરીથી તાપમાનમાં વધારો થવાની આગાહી પણ કરી છે. 15થી 17 એપ્રિલ દરમિયાન રાજ્યમાં તાપમાન 40°Cથી 44°C સુધી પહોંચવાની સંભાવના છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટ જેવા જિલ્લાઓ માટે યેલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 15 એપ્રિલે આ ત્રણ જિલ્લામાં તીવ્ર ગરમી રહેવાની ચેતવણી અપાઈ છે, જ્યારે 16 અને 17 એપ્રિલે આ એલર્ટ વિસ્તૃત કરવામાં આવ્યું છે.
તાપમાનનો વિસ્તારવાર અહેવાલ
રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમ કે નલિયામાં તાપમાન 33°C, ભુજમાં 37°C, અમરેલી અને ભાવનગરમાં 39°C, રાજકોટમાં 40°C અને અમદાવાદમાં 38°C નોંધાયું હતું. તટીય વિસ્તારોમાં તાપમાન ઓછું નોંધાયું છે, જેમ કે ઓખા અને દ્વારકામાં 31-32°C.
હવામાન વિભાગે લોકોને આગાહી મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવાની અપીલ કરી છે, ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને જે લોકો ખુલ્લામાં કામ કરે છે તેઓએ વધુ સાવચેત રહેવું જોઈએ.