San Diego Zoo Earthquake Video: ભૂકંપ સમયે હાથીઓનું અનોખું વલણ, બાળક હાથીઓને લીધા રક્ષણના ઘેરાવમાં
San Diego Zoo Earthquake Video: એવું માનવામાં આવે છે કે કુદરતી આપત્તિઓ, ખાસ કરીને ભૂકંપ જેવી ઘટનાઓ, પ્રાણીઓ અને પક્ષીઓ સૌથી પહેલા અનુભવે છે. તાજેતરમાં સાન ડિએગો, કેલિફોર્નિયાથી સામે આવેલી એક ઘટના તેનો જીવંત દાખલો છે. 14 એપ્રિલ, 2025ના રોજ દક્ષિણ કેલિફોર્નિયાના જુલિયન નજીક 5.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના સમયે સાન ડિએગો ઝૂ સફારી પાર્કમાં રહેલા હાથીઓએ જે વર્તન કર્યું તે સામાજિક લાગણીથી ભરપૂર છે.
જેમ વિડીયોમાં દેખાય છે, ભૂકંપના તરત પહેલા હાથીઓના એક જૂથે તેમના ટોળામાં આવેલા નાનાં હાથીઓને ઘેરીને સુરક્ષિત રીતે ચક્રાકાર રક્ષણ આપ્યું. બંને બાળક હાથીઓ – 7 વર્ષની ઝુલી અને મખાયા – વડીલ હાથીઓના આ વલણથી સુરક્ષિત અને શાંત રહ્યા. ખાસ કરીને મખાયાને કોશી નામની મોટી હાથીએ તેની સૂંડથી દઈને શાંત પાડ્યો, જે માતૃત્વની અનોખી અભિવ્યક્તિ છે.
ઝૂ પાર્કના સસ્તન પ્રાણી વિભાગની ક્યુરેટર મિન્ડી આલ્બ્રાઈટે જણાવ્યું કે હાથીઓ તેમના પગથી જમીનમાં થતા સૂક્ષ્મ કંપનને અનુભવી શકે છે. આ તેમને આવનારા ખતરાની આગાહી કરવામાં સહાય કરે છે. આ કૌટુંબિક સમજૂતી અને રક્ષણાત્મક વલણ હાથીઓના ઊંડા સામાજિક સંબંધો અને સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે.
Stronger together
Elephants have the unique ability to feel sounds through their feet and formed an “alert circle” during the 5.2 magnitude earthquake that shook Southern California this morning. This behavior is a natural response to perceived threats to protect the herd. pic.twitter.com/LqavOKHt6k
— San Diego Zoo Wildlife Alliance (@sandiegozoo) April 14, 2025
હાથીઓએ ભૂકંપ પછી થોડો સમય રક્ષણાત્મક ચક્ર જાળવી રાખ્યો અને જ્યારે આફ્ટરશોક્સ આવ્યા ત્યારે ફરી એ જ વ્યવસ્થા કરી. આ દ્રશ્યો ઝૂ પાર્કના સર્વેલન્સ કેમેરામાં કેદ થયા હતા અને હવે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યાં છે. અનેક લોકોએ આ ઘટનાને “પ્રેમ અને સુરક્ષા ની જીવંત છબી” તરીકે વ્યક્ત કરી છે.
સાન ડિએગોના મેયર ટોડ ગ્લોરિયાએ માહિતી આપી હતી કે શહેરમાં કોઈ ગંભીર નુકસાન નથી થયું, પણ રસ્તાઓ પર પથ્થરો પડ્યા હતા અને કેટલીક દુકાનોમાં સામાન નીચે પડી ગયો હતો. યુએસજીએસ અનુસાર, ભૂકંપ પછી ઘણા આફ્ટરશોક્સ નોંધાયા હતા.
આ ઘટના માત્ર હાથીઓના બુદ્ધિ અને લાગણીશીલતાનું નહીં, પણ પ્રકૃતિ સાથે તેમનો સંબંધ કેટલો ઊંડો છે તેની પણ પ્રેરણાદાયક ઝલક આપે છે.