Parachutist stuck on stadium roof video: મેચ પહેલા હલચલ, પેરાશૂટિસ્ટ છત પર લટકાયો, 40 મિનિટ સુધી મેચ અટકાઈ
Parachutist stuck on stadium roof video: ફ્રાન્સના સ્ટેડ ડી ટુલૂઝ ખાતે યોજાઈ રહેલી ચેમ્પિયન્સ કપ રગ્બી મેચ પહેલા એક ચોંકાવનારી ઘટના બની, જેણે તમામ દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા. મેચ શરૂ થવાની પૂર્વે, બોલ મેદાનમાં પહોંચાડવા માટે ત્રણ પેરાશૂટિસ્ટને હવામાંથી ઉતારવાનું આયોજન કરાયું હતું. તેમાંના બે પેરાશૂટિસ્ટ સાવ સંયમથી જમીન પર ઉતરી ગયા, પણ ત્રીજા પેરાશૂટિસ્ટ, કેપ્ટન યાનિક ટ્રોઈલેટને પવનના તીવ્ર ઝોકાએ ભટકી નાખ્યો.
યાનિક લેન્ડિંગ માટે નીચે આવી રહ્યાં હતા ત્યારે પવનની દિશામાં અચાનક ફેરફાર થયો અને તેમનો પેરાશૂટ નિયંત્રણ બહાર જતાં સીધો સ્ટેડિયમની છત સાથે અથડાઈ ગયો. પરિણામે તેઓ લગભગ 30 મીટરની ઊંચાઈએ છત પર લટકી ગયા. આ દ્રશ્ય જોઈને સ્ટેડિયમમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ. સ્ટાફે તરત જ બચાવ કાર્યવાહી શરૂ કરી અને ફાયર બ્રિગેડ તેમજ રેસ્ક્યુ ટીમે યાનિકને ચેરી પીકરની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા.
View this post on Instagram
આ સમગ્ર ઘટના દરમિયાન મેચ લગભગ 40 મિનિટ માટે રોકી દેવી પડી હતી. સદ્દભાગ્યે, યાનિકને કોઈ ઈજા થઈ નથી અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
લોકોએ આ ઘટનાને લઈ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાકે ચિંતા વ્યક્ત કરી તો કેટલાકે રમુજી ટિપ્પણીઓ કરી, જે ઘટનાની ગંભીરતા વચ્ચે પણ થોડી હળવી છાયા લાવતી હતી.