Dubai ₹62000 for tiny room video: 62,000 રૂપિયામાં દુબઈમાં નાનો રૂમ, યુઝર્સે કહ્યું- આનાથી મોટી મારી બાલ્કની છે!
Dubai ₹62000 for tiny room video: દુબઈનું નામ સાંભળતાં જ આપણાં મનમાં શાનદાર ઈમારતો અને વૈભવી જીવનશૈલીના દ્રશ્યો તાજા થઈ જાય છે. પરંતુ તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોએ એ તમામ કલ્પનાઓને ઝાંખી કરી નાખી છે. દુબઈ મરિનામાં એક નાનો ‘પાર્ટીશન’ ભાડે આપવામાં આવી રહ્યો છે, જેનું ભાડું 2,700 દિરહામ એટલે કે લગભગ 62,000 રૂપિયા છે.
આઈડિયા એ છે કે ફક્ત બાલ્કનીમાં લાકડાં કે પડદાથી અલગ કરેલી નાની જગ્યા આપવામાં આવશે. ના તો દરવાજો છે, ના દિવાલો, અને ગોપનીયતાની તો વાત જ શું કરવી! ખાસ વાત એ છે કે અહીં ફક્ત એક પલંગ, એક નાનો ટેબલ અને એક કબાટ મૂકી શકાય છે. જગ્યા એટલી નાની છે કે પલંગ પર બેસતા જ તમને ખૂણાની દિવાલો સ્પર્શાય એવી લાગણી થાય!
આ વીડિયો 15 એપ્રિલે @neson.services ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર થયો હતો. કેપ્શનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અહીં ફક્ત મહિલાઓ માટે રેડી-ટુ-મૂવ પાર્ટીશન ઉપલબ્ધ છે. ભાડા સાથે 500 દિરહામ ડિપોઝિટ પણ આપવો પડશે.
View this post on Instagram
વિડિયો વાઇરલ થતાં જ લોકોની મજેદાર ટિપ્પણીઓ આવવા લાગી. એક યુઝરે લખ્યું કે, “આ રૂમ છે કે તિજોરી?”, તો બીજાએ કહ્યું, “મારી બાલ્કની આના કરતાં મોટી છે!” કોઈએ તો લખ્યું કે, “મને આ પોસ્ટ જોઈને જ ક્લોસ્ટ્રોફોબિયા થઈ ગયો!” બીજી તરફ, મુંબઇવાસીઓ માટે આ જગ્યા પણ સ્વર્ગ સમાન ગણાઈ.
દુબઈમાં ‘પાર્ટીશન’ એટલે કે ફ્લેટ કે વિલાના મોટા ભાગને લાકડાં, કાચ કે પડદા વડે વિભાજિત કરીને નાની જગ્યા બનાવવામાં આવે છે. પરંતુ ભાડું આખા ફ્લેટ જેટલું જ હોય છે.
આ પોસ્ટ અત્યાર સુધી 7 લાખથી વધુ લાઈક્સ અને 1.76 લાખ વ્યૂઝ મેળવી ચૂકી છે. તમારું શું માનવું છે, શું તમે આટલી કિંમતમાં આવા ખૂણે રહેવા તૈયાર થાઓ?