ધરમપુરના આસુરા ટાઉનમાં આજે સાંજે અને રાત્રીના સમયે ભૂકંપના અાંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ સર્જાયો હતો. લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપના આંચકા અાશરે 7:43 અને 10:52ના સમયે નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભૂકંપના આંચકા અનુભવાતા લોકોએ પ્રથમ તો તેને ધ્યાને લીધું ન હતું પરંતુ બાદમાં બીજો આંચકો લાગતા આસુરાના ગ્રામજનોએ મામલતદાર કચેરીને આંચકા અંગેની જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ પણ વલસાડ અને ધરમપુરની આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા લાગી ચૂક્યા છે.
આંચકા લાગતા ગ્રામજનોમાં ભારે દહેશતનો માહોલ સર્જાયો હતો, ભૂકંપનું એપિ સેન્ટર ક્યાં હતું તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી રહી નથી. મામલતદાર કચેરી કે વલસાડ જિલ્લા કલેકટર કચેરી પાસે આંચકા અંગેની વિશેષ જાણકારી મળી શકી નથી. જોકે, ભૂકંપના આંચકામાં કોઈને ઈજા કે નુકશાનનાં સમાચાર મળી રહ્યા નથી. કેટલા રિચર સ્કેલનો આંચકો નોંધાયો હતો તે પણ જાણી શકાયું નથી.