સરદાર પટેલની જન્મ જયંતિએ વડાપ્રધાન મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ને રાષ્ટ્રને સમર્પિત કરી છે, ત્યારે ડાંગ, સાપુતારા, નવસારી, ચીખલી, સુરત અને તાપી જિલ્લામાં આદિવાસીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમ વેળા વડાપ્રધાન દ્વારા આદિવાસીઓને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા પણ તેની કોઈ અસર જોવા મળી ન હતી.
વડાપ્રધાન મોદીએ દાવો કર્યો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે આદિવાસીઓને રોજગાર મળશે. ત્યારે બીજી બાજુ ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સાપુતારામાં સજ્જડ બંધ પાળ્યું હતું. આ ઉપરાંત નવસારીના ચીખલામાં આદિવાસીઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં પણ આદિવાસીઓનો વિરોધ જોવા મળ્યો હતો.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ડાંગ જિલ્લાના આદિવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યૂનિટીના વિરોધમાં સાપુતારા ખાતે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું. જેના કારણે સહેલાણીઓને ઘણી તકલીફ પડી હતી.
સુરતના કોસંબા ને.હા. 48 પર આદિવાસીઓ ઉતરી આવતા ચક્કાજામ કર્યો હતો. હાઇવેના બંન્ને બાજુના રોડ પર ટાયરો સળગાવીને મોટી સંખ્યામાં આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.
નવસારીના ચીખલીમાં આદિવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ નોંધાવ્યો હતો. ચીખલીના આલીપોર-દેગામ માર્ગ પર બીટીએસના કાર્યકરો અને જિલ્લા પોલીસ સામસામે આદિવાસીઓના મોતની ઠાઠડી સાથે અંતિમ યાત્રા કાઢીવિરોધ કર્યો હતો.
પોલીસે બીટીએસ કાર્યકર્તાઓને અટકાવતા તેમણે રસ્તે બેસી ઉગ્ર વિરોધ નોધાવ્યો હતો. બીજી બાજુ ભાજપના કાર્યકરો પણ રસ્તે ઉતારી આવેલા આદિવાસી યુવાનને રોકીને જય સરદાર બોલવા મજબૂર કર્યા હતાં. આવી તંગ પરિસ્થિતિને સાચવવા માટે જિલ્લા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.
આદિવાસીઓએ ફૂગ્ગા છોડીને વિરોધ કર્યો હતો અને મોદી વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. રાજપીપળા, ડેડીયાપાડા, નેત્રંગ અને ઝઘડીયામાં પોલીસની બટાલીયન ઉતારી દેવામાં આવી હતી. જ્યારે કેવડીયા ખાતે આદિવાસીઓએ કાળા બલૂન છોડી વિરોધ વ્યક્ત કર્યો હતો.