વલસાડ માહિતી બ્યુરોઃ તા.૧૯: વલસાડ જિલ્લા કલકેટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જિલ્લા સંકલન સમિતિની ભાગ-૧ની બેઠકમાં, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જીતેન્દ્ર ટંડેલ દ્વારા જળષાાવ સમિતિની નોંધણી કરવા, માછીમારોની બોટનું રજીસ્ટ્રેશન જિલ્લાકક્ષાએ જ થાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા તેમજ વલસાડ શહેરના કલ્યાણબાગથી ડુંગરી તરફ જતા મુખ્યમાર્ગ ઉપરના દબાણો દુર કરવા બાબતે, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણભાઇ પાટકરના એસ.ટી વિભાગના અવસાન પામેલ કર્મચારીના વારસદારને પેન્શનના ચુકવણાં, નેશનલ હાઇવે ઉપર મોહનગામ ફાટકનું ક્રોસિંગ બંધ કરવા, ઉમરગામ વિસ્તારમાં રખડતા ઢોરોની તસ્કરી કરતા ઇસમો સામે કાયદાકીય પગલાં ભરવા ગ્રામ પંચાયતના ગૌચરણની જમીનમાં થયેલા દબાણો દૂર કરવા તેમજ વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલ દ્વારા નહેરોનું રીપેરીંગ કામગીરી કરાવવા જેવા પ્રશ્નો રજૂ કર્યા હતા. જે સંદર્ભે કલેકટરે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા-સમીક્ષા કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવા સુચના આપી હતી. બેઠકમાં ભારત સરકાર દ્વારા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો બંધ કરવાના લીધેલ નિર્ણયના કારણે જિલ્લાની વિવિધ બેંકો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની ચર્ચા સમીક્ષા કરી હતી. જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા કરાતા રોજીંદા નાણાંકીય વ્યવહારો તેમજ જિલ્લાના લોકો સાથે કરવાના થતા નાણાંકીય વ્યવહારોમાં મુશ્કેલી ન પડે અને સરળતાપૂર્વક કામગીરી વ્યવસ્થા બની રહે તે માટેની ચર્ચા કરી પૂરતી કાળજી રાખવા સુચન કર્યુ હતું. જિલ્લાના લોકોને તેમજ ખેડૂતો, નાના વર્ગના લોકોને તકલીફ ન પડે ઉપરાંત સરકારી કચેરીના બેંકને લગતા કામોમાં મુશ્કેલી ન પડે તે જોવા સાથે કલેકટર રેમ્યા મોહને હાલના સંજોગોમાં રોકડ વ્યવહાર નો ધટાડો કરી બેંકિંગ વ્યવહાર અમલ કરવા માટે પણ જણાવ્યું હતું. બેઠકમાં લીડ બેંક મેનેજર સાથે પણ આ બાબત અંગે વિસ્તૃત ચર્ચા સમીક્ષા કરાઇ હતી. વલસાડ જિલ્લા કલકેટર રેમ્યા મોહને અધિકારીઓને દરેક વિભાગના કર્મચારીઓના પેન્શન કેસો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને અવસાન પામેલ કર્મચારીઓના પરિવારને કુંટુબ પેન્શન સમયસર મળે તેની ખાસ તકેદારી રાખવા કલેકટર કચેરી ખાતે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓને સુચના આપી હતી.
વધુમાં આ સંકલન બેઠકના ભાગ-૨ માં જિલ્લા કલેકટરશ્રીએ વહીવટી બાબતોની સમીક્ષા કરતાં વસુલાતની કામગીરી નિયમિત કરવા, પાણી પુરવઠા બોર્ડ, જીઇબીના પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. અને આયોજન કરી સમયસર કામગીરી પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને જણાવાયું હતું. કોમી સદભાવના અને રાષ્ટ્રીય એકતા વધુ સુદ્રઢ બને તે માટે તા૧૯/૧૧/૨૦૧૬ થી તા.૨૫/૧૧/૨૦૧૬ સુધી કોમી એકતા સપ્તાહની ઉજવણી રાજયભરમાં કરાઇ રહી છે. આ જિલ્લામાં પણ કોમી એકતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ઉપસ્થિત તમામ અધિકારી/કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા. આ બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટરશ્રી ભરતસિંહ ચુડાસમાએ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા, સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.