ચીખલીમાં કવોરી સંચાલકોને છાવરી રહેલુ તંત્ર..!
ડાંગ અને નવસારીમાં કાયદા જુદા જુદા હોય તો તંત્ર લેખિતમાં ખુલાસો આપે : પર્યાવરણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન
ચીખલી પંથકમાં બિન્દાસ રીતે કવોરીઓ ચલાવતા ઇસમે પર્યાવરણની ખો કાઢી રહ્યા છે અને અન્ય ગેરરીતી કરતા હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે અને તે અંગે અખબારોમાં અહેવાલો પણ પ્રસિધ્ધ થઇ રહ્યા છે પરંતુ બધુ જાણવા છતાં સબંધિત તંત્ર વાહકો ચૂપ રહેતા છેક ઉપર સુધી ચાલતો ભ્રષ્ટાચારની શકયતાઓ વ્યકત કરાઇ રહી છે ચીખલી પંથકમાં પણ રાજકીય આગેવાની હેઠળ કેટલાક તત્વો મનમાની કરતા હોવાની ચર્ચા છે અને તેઓની છત્ર છાયા હેઠળ સેટીંગ થઇ જતુ હોવાની વાત ચર્ચાનો વિષય બની રહી છે આ અંગે વધુ પ્રકાશ પાડવાનો રહેતો નથી અને તંત્ર દ્વારા એકશન લેવામાં આવે તે વાત માત્ર જનતા જાણતી હોય છે પરંતુ રજૂઆતો બાદ અને મિડીયાના અહેવાલોની અવગણના કરાતી હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. ડાંગ-આહવા પંથકમાં પણ કવોરી ચલાવતા ઇસમો એ ઉપાડો લીધો હતો પરંતુ આવા ઇસમોને ત્યાંના જીલ્લા કલેકટરે તરત જ એકશન લઇને ઠેકાણે પાડી દીધા છે વિગતો મુજબ વધઇ તાલુકાના કુકડનખી અને બારખાદીયા ગામે રાજકીય વગ ધરાવતા ઇસમો દ્વારા છેલ્લા કેટલાક સમયથી કવોરી ચલાવવામાં આવતી હતી અને ગેરકાયદે પથ્થરો તોડીને કવોરી દ્વારા લાખ્ખો રૂપિયાનો વેપલો કરવામાં આવી રહ્યો હતો અને પર્યાવરણના કાયદાનું ઉલ્લંઘન કરી રાજકીય વગ ધરાવતા ઇસમો બેફામ બન્યા હતા અહીં કવોરી અને રેતી ખનન અંગે ગેરકાયદે વેપલાની ફરીયાદો વધતાં આખરે ડાંગ જિલ્લા પ્રાંત અધિકારી જાતે જ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કવોરીની મશીનરી જપ્ત કરીને સીલ કરી દીધી હતી. એટલું જ નહીં પ્રદૂષણ ફેલાવતા અને બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલા ઇંટના ભઠ્ઠાઓ બંધ કરી જમીન ખાલસા કરવાની તજવીજ હાથ ધરી હતી. આવા પ્રમાણિક અધિકારીની કડક કામગીરીને લઇ તંત્ર સામે લોકોમાં વિશ્વાસ ઉભો થયો હતો જ્યારે અસામાજીક તત્વો દોડતા થઇ ગયા છે પ્રાંત અધિકારીએ કવોરી અને ઇંટના ભઠ્ઠાઓ સામે કડક કાર્યવાહી કરી કલેકટરને રીપોર્ટ સોંપી દીધો હતો હવે આગાળની કાર્યવાહી જીલ્લા કેલકટર કરશે પરંતુ પ્રાંત અધિકારીએ રેડ કરી બધા ધંધા બંધ કરાવી દેતા કાયદાનું ઉલ્લંઘન કરતા તત્વો દોડતા થઇ ગયા હતા જ્યારે સિક્કાની બીજી બાજુ ચીખલીમાં પ્રાંત અધિકારી આ મામલે કેમ ચૂપકીદી સેવી રહ્યા છે તે નવાઇ પમાડે તેવી વાત છે અને તેને કારણે કાયદાની ઐસી તૈસી કરી રહેલા તત્વો વધુ બેફામ બની પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે ત્યારે ડાંગ અને નવસારી જીલ્લામાં કાયદા જુદા જુદા છે કે કેમ? તે અંગે લોકોમાં અટકળો થઇ રહી છે ત્યારે ડાંગનું જાઇ ચીખલીમાં પણ કાર્યવાહી થાય તેવું જનતા ઇચ્છી રહી છે.