વડોદરાઃ અત્યારે કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને હિંમત પુરી પાડતો એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો હતો. વડોદરામાં રહેતા 101 વર્ષના દાદાએ માત્ર આઠ જ દિવસમાં જીવલેણ કોરોનાને હંફાવ્યો હતો. આટલી ઉંમરે કોરોનાને મ્હાત આપીને કોરોનાગ્રસ્ત દર્દીઓને હિમ્મત પુરી પાડી હતી. આટલી ઉંમરે કોરોનાને હરાવનાર ગુજરાતના સૌથી મોટી ઉંમરના વ્યક્તિ ગણી શકાય.
જયંતી ચોક્સીની સારવાર કરનારા ઈન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ ડો. અંનિકેત શાહે અમારા સહયોગી ખાનગી મીડિયા ગ્રૂપ સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ‘જ્યારે તેમને હોસ્પિટલે લાવવામાં આવ્યા ત્યારે તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. થોડા દિવસ તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને કિડનીઓને પણ અસર પહોંચી હતી. જો કે, સારવારની તેમના શરીર પર અસર થવા લાગી હતી અને ઉંમર હોવા છતાં તેઓ ઝડપથી રિકવર થઈ ગયા’.
‘શરૂઆતમાં, તેઓ કંટાળી જતા હતા અને ઘરે પાછા જવાનું કહેતા હતા. પરંતુ જ્યારે તેમની સ્થિતિ સુધરવા લાગી ત્યારે ફરીથી તેમનામાં જુસ્સો પાછો આવી ગયો’, તેમ ડો. શાહે જણાવ્યું. તેમના ભત્રીજી રિંકી ચોક્સી, કે જેઓ વડોદરામાં રહે છે 4 માર્ચે તેના કાકાનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શરુઆતમાં એક ખાનગી હોસ્પિટલમાં તેમને ન્યૂમોનિયા માટે ખસેડવામાં આવ્યા હતા.
‘ICUમાં ખસેડ્યા બાદ થોડા દિવસ તેમણે વાત કરવાનું બંધ કરી દેતા અમે ડરી ગયા હતા. પરંતુ પોતાના જોમ અને જુસ્સો ભરીને તેમણે ફરીથી વાતચીત કરવાનું શરુ કર્યું અને તેઓ ઘરે જવા માગતા હોવાથી ડિસ્ચાર્જ થવાની વાત કરી હતી’, તેમ રિંકીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું.
જયંતી ચોક્સી 1980માં મુંબઈની દેના બેંકમાંથી નિવૃત થયા હતા
જયંતી ચોક્સી 1980માં મુંબઈની દેના બેંકમાંથી નિવૃત થયા હતા. બાદમાં તેઓ તેમની 97 વર્ષના પત્ની શાંતા સાથે અમદાવાદ શિફ્ટ થયા હતા. તેઓ તરત જ ગુજરાત સ્ટેટ ફાઈનાન્સ કોર્પોરેશન સાથે જોડાયા હતા અને ઘણી ઈન્સ્ટિટ્યૂટ્સમાં સલાહકાર પણ હતા. ‘તેમને બાળકો નથી. તેથી મારા કાકા અને કાકી તેમનો મોટાભાગનો સમય સામાજિક સેવામાં કાઢે છે. એક દશકા પહેલા જયંતી કાકાએ ગરીબોને સારવાર મળી રહે તે માટે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં સરકારી હોસ્પિટલના નિર્માણ માટે 30 લાખ રૂપિયા આપ્યા હતા’.