વડોદરા નજીક આવેલા નાંદેસરીના રિલાયન્સના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટનામાં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને ઈન્ટુકના નેતા નરેન્દ્ર રાવતે સમગ્ર ઘટનામાં ન્યાયિક તપાસની માંગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આઈપીસીએલ-રિલાયન્સના પીબીઆર પ્લાન્ટમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ એ છે કે પ્લાન્ટમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી અને તાપમાનમાં વધારો થતાં રબર દ્વારા આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ કર્મચારીઓના મોત થયા છે અને અન્ય 10 કર્મચારીઓને ઈજા પહોંચી છે
તેમણે કહ્યું કે મૃત્યુ પામેલા કર્મચારીઓ પૈકી એક સુપરવાઈઝર અને એક પ્લાન્ટ ઓપરેટર હતો જ્યારે બે જણા 10 વર્ષથી કામ કરી રહ્યા હતા અને એક કર્મચારી પાંચ વર્ષથી નોકરીમાં હતો.
નરેન્દ્ર રાવતે જણાવ્યું કે કર્મચારીઓને વળતર તરીકે 35 લાખ રૂપિયા આપવામાં આવે અને આગ લાગવાની ઘટનાની ન્યાયિક તપાસ કરવામાં આવે. આગની ઘટનાના કારણે નવ યાર્ડ-છાની વિસ્તાર સુધી કંપન અનુભવાયા હતા.
તેમણે કહ્યું કે દોઢ વર્ષના ગાળામાં આ પ્લાન્ટમાં બીજી વખત આગની ઘટના બની છે. વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. CFO,GPCB, કલેક્ટર, અને ઓસીઆરને ઘટનાની જાણ કરવામાં આવી ન હતી. શું હજુ પણ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી છે. આવા ગંજાવર પ્લાન્ટમાં અકસ્માતોની ઘટનાને અટકાવવાનો સમય આવી ગયો છે. નાંદેસરી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બે મહિનામાં બીજી વાર આવી ઘટના બની છે. સાવચેતી અને અગમચેતીના પગલાના અભાવે આવા બનાવો બની રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.