વડોદરાના ધાનેરા ખાતે આવેલા આઈપીએલ-રિલાયન્સના પ્લાન્ટમાં ભયાનક આગ ફાટી નીકળતા ત્રણ કર્મચારીઓ બળીને ભડથું થઈ ગયા છે. રિલાયન્સના બીબીપી પ્લાન્ટના ફીનીશીંગ બેગીંગમાં આગ ફાટી નીકળી હતી. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે આ ઘટના નોંધાઈ હતી. વડોદરા ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ આગ હવા સાથે વધુ ભડકી હતી. છેવટે ચાર કલાકની મહેતનતના અંતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આગમાં ત્રણ કર્મચારીઓ નામે મહેન્દ્ર જાદવ, અરુણભાઈ અને પ્રિતેશ પટેલ આગમાં મોતને ભેટ્યા હતા.બીપીઆર-2 પ્લાન્ટમાં આગ લાગી હતી. મોતને ભેટેલા કર્મચારીઓમાં એક પ્લાન્ટ ઓપરેટર અને એક સુપરવાઈઝર હતો. બન્ને કર્મચારીઓ પાછલા 10 વર્ષથી નોકરી કરી રહ્યા હતા. રિલાયન્સે મૃતકોના પરિવારજનો માટે 35 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. કોંગ્રેસ- ઈન્ટુકના નેતા નરેન્દ્ર રાવતે આગની ઘટના અંગે જ્યુડીશિયરી ઈન્કવાયરીની માંગ પણ કરી છે.
ઘટનામાં અન્ય 10 લોકોને ઈજા પહોંચી હતી અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. નરેન્દ્ર રાવતે કહ્યું કે આગ કેવી રીતે લાગી તે અંગે સંપૂર્ણ તપાસ થવી જોઈએ. રિલાયન્સ દ્વારા બેદરકારી રાખવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. વડોદરાના કલેક્ટર અને વહીવટી તંત્રને ઘટનાની જાણ કરવામાં આવી હતી કે કેમ તે પણ એક પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો. બે મહિના દરમિયાન આવી રીતે આગની બીજી ઘટના બની છે તે ગંભીર બેદરકાર છતી કરે છે.