ગુજરાતની મહાનગરપાલિકાઓને અધિકારીઓની નિયુક્તિની સત્તા બાબતે સરકાર મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકના કલમ 45 હેઠળ આવતા અધિકારીઓની નિમણૂંક મામલે ફેરફાર કરી નવા નિયમો લાગુ થવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.
વિગતો મુજબ ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને અન્ય અધિકારીઓની નિયુક્તિની સત્તા રાજ્ય સરકાર પાસે રહેલી છે. રાજ્ય સરકારની મંજૂરી વગર કલમ 45 હેઠળ આવતા અધિકારીઓની નિમણૂંક કરી શકાતી નથી. ગુજરાત સરકાર આ નિયમને બદલી મહાનગરપાલિકાઓને અધિકારીઓની નિયુક્તિ કરવાની સીધી સત્તા આપવાની દિશામાં આગળ વધી રહી છે.
સચિવાલયના સૂત્રો મુજબ આગામી દિવસોમાં સરકાર દ્વારા આ નિર્ણય પર મંજુરીની મહોર મારવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત આ નિયમ બાદ તમામ મહાનગરપાલિકાઓ પાસે અધિકારીઓની સીધી નિમણૂક અથવા બઢતીના અધિકારી પણ પ્રાપ્ત થશે. તેમજ કોર્પોરેશન અધિકારીઓની ખાલી જગ્યા પણ સીધી રીતે ભરી શકશે.
મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકામાં કોઈ અધિકારી સામે ફરીયાદ કે તેમની કાર્યપ્રણાલિ અંગે વાંધા હોય અને તેવા સંજોગોમાં અધિકારીને ફરજ કે નોકરી પરથી દુર કરવાની નોબત આવે તો તેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે. મતલબ કે અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી સત્તા સરકાર પોતાની પાસે જ રાખશે. આગામી વિધાનસભાના સત્રમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા આ વિધેયક રજૂ કરવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.