રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર સૈનિકોના પરિવારજનો તેમજ યુધ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાના કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરવામાં આવેલ સૈનિકોના પુનઃવસવાટ માટે અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે દર વર્ષે ૭મી ડિસેમ્બરના રોજ સશસ્ત્ર સેના ધ્વજદિન તરીકે ઉજવવામાં આવે છે. ૧૯૪૯થી સશસ્ત્ર સેના ધ્વજદિન દર વર્ષે ૭મી ડિસેમ્બરે ઉજવાય છે. સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં એકત્રીત થયેલ રકમ સેવારત/પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોના કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ નાગરીકોને ધ્વજ દિવસ ફાળામાં રાજ્યને મોખરે રાખવાનો અનુરોધ કર્યો છે.
સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણીના ભાગરૂપે જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને કલેકટર શ્રી લોચન સેહરાએ વડોદરા કલેકટર કચેરી ખાતે આજે જાતે યોગદાન આપીને સૈનિક કલ્યાણ ભંડોળ એકત્રીકરણનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે એનસીસી કેડેટસને યોગદાન અર્પણ કર્યું હતું અને સશસ્ત્ર સેના ધ્વજદિનના પ્રતિક સમાન ધ્વજ ધારણ કર્યો હતો.
વડોદરા શહેર જિલ્લાના નાગરિકો સૈનિક કલ્યાણ ભંડોળ છલકાવી દે તેવો ખાસ અનુરોધ કરતા કલેકટર શ્રી લોચન સેહરાએ જણાવ્યું હતું કે જાગૃત અને રાષ્ટ્રભક્ત નાગરિકોએ આ ઉમદા કાર્યમાં દિલથી જોડાઇ ઉદાર હાથે ફાળો આપી સેવા અને રાષ્ટ્રભક્તિનું કર્તવ્ય અદા કરવું જોઇએ. રાષ્ટ્ર માટે પ્રાણોનું બલિદાન આપનારા, સરહદ પર સતત સર્તકતાપૂર્વક તૈનાત રહીને જોખમ વહોરીને દેશના સીમાડાઓનું રક્ષણ કરનારા પ્રહરીઓનું ઋણ અદા કરવાનો અવસર ઝંડા દિવસ આપે છે તેવુ તેમણે ઉમેર્યું હતું. માનનીય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને રાજ્યોના મુખ્ય પ્રધાનો જાતે સૈનિક કલ્યાણ ભંડોળ માટે યોગદાન આપવાની સાથે નાગરિકોને સૈનિક કલ્યાણ ભંડોળ માટે ફાળો આપવા અનુરોધ કર્યો છે. જેમણે રાષ્ટ્રને આપણા હવાલે કરીને સરહદની રક્ષા કરતા મોતને વ્હાલુ કર્યુ, અપંગતા વ્હોરી કે પરિવારથી દૂર રહીને આજીવન હોળી-દિવાળી યુધ્ધ ક્ષેત્રમાં એકલા અટુલા ઉજવી, તેમનો પાડ માનવાનો અવસર સશસ્ત્ર સેના ઝંડા દિવસ છે એ વાત નાગરિકો ભૂલે નહીં એવી ખાસ અપીલ કલેકટરશ્રીએ કરી છે.
આ અવસરે જિલ્લા સૈનિક વેલ્ફેર બોર્ડના મદદનીશ અધિકારી શ્રી એ.પી.ચૌહાણ, એમ.કે.રાવલ, એન.એસ.ડામોર, વી.સી.પંચોલી, એનસીસી કેડેટસ ઉપસ્થિત રહ્યા હતા.
સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ રોકડમાં અથવા કલેકટર અને પ્રમુખશ્રી, જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના નામના ચેક/ડ્રાફ્ટથી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્નવસવાસ કચેરી, નિઝામપુરા, વડોદરામાં જમા કરાવવા જણાવાયુ છે. સરહદના રક્ષકો માટે યોગદાન આપવાનું આ સહુથી અધિકૃત માધ્યમ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.