દોહાઃ જરા વિચારો, તમને કેવું લાગશે કે જ્યારે તમે કોઈ સ્ટેડિયમમાં બેઠા હો, જે હરતું-ફરતું હોય અને રિયુઝેબલ હોય. કતારમાં એક આવું જ ‘મોબાઇલ’ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે, જે દુનિયાનું પહેલું હરતું-ફરતું સ્ટેડિયમ હશે. કતારે આ સ્ટેડિયમની ડિઝાઇન અંગે જાણકારી આપીને દાવો કર્યો છે કે આ સ્ટેડિયમમાં વર્ષ ૨૦૨૨માં યોજાનારા ફિફા વર્લ્ડકપની મેચ રમાશે.
રાસુ અબુ એબોદ સ્ટેડિયમ દોહાના દક્ષિણ વોટરફ્રંટ પર બનાવાશે. આ સ્ટેડિયમની દર્શક ક્ષમતા ૪૦,૦૦૦ની હશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્વાર્ટર ફાઇનલ સ્તરની મેચ આ મોબાઇલ સ્ટેડિયમમાં રમાશે. ટૂર્નામેન્ટ આયોજિત થઈ ગયા બાદ આ સ્ટેડિયમને ત્યાંથી હટાવી દેવામાં આવશે. આ ઉપરાંત આ સ્ટેડિયમના હિસ્સાઓને કન્ટેનરમાં પેક કરી દેવાશે અને ભવિષ્યમાં જરૂર પડ્યે આને ફરીથી એસેમ્બલ કરી દેવાશે.
કતાર વર્લ્ડકપ આયોજન સમિતિના મહાસચિવ હસન અલ થવાડીએ કહ્યું, ”આ સ્ટેડિયમ શાનદાર હશે અને આને કોઈ નવી જગ્યાએ ફરીથી એસેમ્બલ કરી શકાશે. આ ઉપરાંત અલગ અલગ ઘણાં રમત સ્થળો પર પણ આ સ્ટેડિયમનો ઉપયોગ કરી શકાશે.”
થવાડી સુપ્રીમ કમિટી તરફથી જારી કરાયેલા એક નિવેદન અનુસાર આ સ્ટેડિયમ બનાવવામાં મોડિફાઇડ શિપિંગ કન્ટેનર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેડ્રિડની એક કંપની ફેનવિક ઇરિબારેને આ સ્ટેડિયમનું નિર્માણ કર્યું છે. કતાર ફાઉન્ડેશન સ્ટેડિયમને ડિઝાઇન કરવા માટે પણ આ કંપનીને પસંદ કરવામાં આવી છે. કતાર ફાઉન્ડેશન સ્ટેડિયમમાં પણ ફિફા વર્લ્ડકપની મેચો રમાડવાનો પ્રસ્તાવ છે.