અમદાવાદ : ચેક ગણરાજ્યની અને પૂર્વ વિમ્બલ્ડન ચેમ્પિયન જાના નોવાત્નાનું ૪૯ વર્ષની ઉંમરે નિધન થયં છે. વુમન્સ ટેનિસ એસોસિયેશન(WTA) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક સમયની ચેક ગણરાજ્યની સ્ટાર ટેનિસ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી. ૧૯૯૮માં વિમ્બલ્ડનની ફાઇનલમાં ફ્રાન્સની નટાલી તોઝિયાતને સીધા સેટમાં ૬-૪, ૭-૬થી હરાવી જાના નોવાત્ના ચેમ્પિયન બની હતી.
આ પહેલાં તેને વિમ્બલ્ડનની ફાઇનલમાં ૧૯૯૩માં સ્ટેફી ગ્રાફ અને ૧૯૯૭માં માર્ટીના હિંગિસ સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. વર્ષ ૧૯૯૩ની ફાઇનલમાં સ્ટેફી ગ્રાફ સામે પરાજય મેળવ્યા બાદ તે ડચીસ ઓફ કેન્ટ કેથરીનના ખભે માથં રાખી રડી પડી હતી.
કેવી હતી સ્ટાર જાના નોવાત્નાની ટેનીસની કારકિર્દી.?
પોતાની ટેનિસ કારકિર્દી દરમિયાન જાના નોવાત્નાએ ડબલ્સમાં સૌથી વધુ સફળતા મેળવી હતી. મહિલા ડબલ્સમાં તે ચાર વખત વિમ્બલ્ડનમાં, બે વખત ઓસ્ટ્રેલિયન ઓપનમાં, ત્રણ વખત ફ્રેન્ચ ઓપનમાં અને ત્રણ વખત યુએસ ઓપનમાં ચેમ્પિયન બનવામાં સફળ રહી હતી. આ ઉપરાંત મિક્સ્ડ ડબલ્સમાં પણ તે બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન અને એક-એક વખત યુએસ તથા વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બની હતી. ૧૯૮૮ અને ૧૯૯૬ની ઓલિમ્પિકમાં તેણે ડબલ્સમાં સિલ્વર અને ૧૯૯૬ની એટલાન્ટા ઓલિમ્પિકની સિંગલ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળ રહી હતી. નોવાત્નાની શાનદાર કારકિર્દી બદલ ૨૦૦૫માં તેનો હોલ ઓફ ફેમમાં સમાવેશ કરાયો હતો.