કુઆલાલમ્પુર : ચીનના દિગ્ગજ બેડમિન્ટન ખેલાડી લિન ડેને રવિવારે અહીં મલેશિયા ઓપનની ફાઇનલમાં પોતાના જ દેશના ચેન લોંગને હરાવીને બે વર્ષમાં પ્રથમ મોટું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પાંચવારના વર્લ્ડ ચેમ્પિયને 78 મિનીટ સુધી ચાલેલી આ મેચમાં પહેલી ગેમ ગુમાવ્યા પછી ડેને જોરદાર વાપસી કરીને મેચ જીતી લીધી હતી.
વર્લ્ડ રેન્કિંગમાં 16માં સ્થાને બેઠેલા આ 35 વર્ષના ખેલાડીએ ચોથા ક્રમાંકિત ચેનને 9-21, 21-7, 21-11થી હરાવ્યો હતો. આ વિજયની સાથે જ બે વારના ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતાને 49 હજાર ડોલરનું રોક્ડ ઇનામ મળ્યું હતું. મહિલા સિંગલ્સની ફાઇનલમાં તાઇવાનની ટોચની ક્રમાંકિત તાઇ ઝુ યિંગે જાપાનની અકાને યામાગુચીને 21-16, 21-19થી હરાવીને ત્રીજીવાર મલેશિયન ઓપન ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ચીની ખેલાડીઓએ આ ઉપરાંત સાથે મિક્ષ્ડ ડબલ્સ, પુરૂષ ડબલ્સ અને મિહલા ડબલ્સ ટાઇટલ જીતી લીધા હતા.