રીયાધ : રશિયન ગ્રાન્ડ માસ્ટર વ્લાદિમીર ફેડોસીવને પ્લે-ઓફ મુકાબલામાં હરાવી ભારતનો પાંચ વખતનો વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ વર્લ્ડ રેપિટ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યો હતો. અગાઉના ૧૪માં રાઉન્ડમાં વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન સામે જીત મેળવ્યા બાદ અંતિમ રાઉન્ડના અંતે આનંદે ફેડોસીવ અને નેપોનીઆટ્ચી સાથે ૧૦.૫ પોઇન્ટ સાથે સંયુક્ત રીતે નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. જેના કારણે નિયમ મુજબ આનંદે ચેમ્પિયન બનવા માટે ફેડોસીવ સામે પ્લે-ઓફનો રાઉન્ડ રમવો પડયો હતો જ્યા આનંદે જીત મેળવી પોતાની કારકિર્દીમાં બીજી વખત અહી ચેમ્પિયન બનવાની અદ્ભૂત સિદ્ધિ મેળવી છે.
આ પહેલા આનંદ વર્ષ ૨૦૦૩માં ચેમ્પિયન બન્યો હતો જ્યારે વર્ષ ૨૦૧૩માં તેને મેગ્નસ કાર્લસન સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. આ જીત સાથે ૪૮ વર્ષીય આનંદે પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.
આ જીત બાદ વિશ્વનાથન આનંદે જણાવ્યું હતું કે આ વર્ષે મળેલી નિષ્ફળતા બાદ હું અદ્ભૂત લાગણી અનુભવી રહ્યો છું. આ જીત અનઅપેક્ષિત છે કારણકે આ પહેલા હું આ ચેમ્પિયનશિપમાં ભાગ પણ લેવાનો નહોતો. રેપિડ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિજેતા બનવાની લાગણીનું હું શબ્દોમાં વર્ણન કરી શકતો નથી.
લંડન ક્લાસિક ટૂર્નામેન્ટ મારા માટે અત્યંત ખરાબ સાબિત થઇ હતી પરંતુ આ ચેમ્પિયનશિપના પ્રથમ દિવસે જ મારી રમતથી મારો આત્મવિશ્વાસ વધ્યો હતો અને મને મારા જૂના દિવસોની યાદ આવી ગઇ હતી. પીટર લેકો અને મેગ્નસ કાર્લસન સામે મળેલી જીત મારા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થઇ હતી અને તે મારા માટે સૌથી નિર્ણાયક સાબિત થઇ હતી.
આ વર્ષે આનંદને જોઇએ તેવી સફળતા મળી નહોતી. તે કેન્ડીડેટ્સ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાઇ થવામાં નિષ્ફળ રહ્યો હતો જેને કારણે તે વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનને પડકાર આપવા માટે ક્વોલિફાઇ થઇ શક્યો નહોતો. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં યોજાયેલી લંડન ચેસ ક્લાસિક ટૂર્નામેન્ટમાં તેણે અંતિમ સ્થાન મેળવ્યું હતું. રેપિડ ચેસ ચેમ્પિયનશિપના ૧૫ રાઉન્ડમાં આનંદે નવ જીત અને છ ડ્રો સાથે કુલ ૧૦.૫ પોઇન્ટ મેળવ્યા હતી.