નવી દિલ્હી : માજી વર્લ્ડ ચેમ્પિયન અને વિશ્વના ચોથા ક્રમના ખેલાડી ડેન્માર્કના વિક્ટર ઍક્સેલસને ઇન્ડિયન અોપનની ફાઇનલમાં ભારતના ત્રીજા ક્રમાંકિત કિદામ્બી શ્રીકાંતને હરાવીને રવિવારે બીજીવાર ઇન્ડિયા ઓપન ટાઇટલ જીતી લીધું હતું. જ્યારે થાઇલેન્ડની રતનાચોક ઇન્તાનોને પણ ચીનની હી બિંગજિયાઓને હરાવીને ત્રીજીવાર મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું.
ચોથી વાર ઇન્ડિયા અોપનની ફાઇનલમાં રમી રહેલા ઍક્સેલસને ૨૦૧૫ની ફાઇનલમાં શ્રીકાંત સામે મળેલા પરાજયનો આ સાથે બદલો વાળ્યો હતો. ઍક્સેલસને આ પહેલા ૨૦૧૭માં આ ટાઇટલ જીત્યું હતું. ૩૬ મિનીટ સુધી ચાલેલી મેચમાં ઍક્સેલસને શ્રીકાંતને ૨૧-૭, ૨૨-૨૦થી હરાનવયો હતો. આ તરફ મહિલા સિંગલ્સમાં ઇન્તાનોને બિંગજિયાઓ સામે ૪૬ મિનીટ સુધી ચાલેલી ફાઇનલમાં ૨૧-૧૫, ૨૧-૧૪થી વિજય મેળવ્યો હતો.
