વલસાડઃ ગુજરતમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે સરકારી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે વલસાડની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓને પૂરતી જગ્યા નથી મળી રહી. અહીં સમયસર સારવાર ન મળતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે વલસાડની ખાનગી હૉસ્પિટલમાં દાખલ એક દર્દીની હાલત ગંભીર થતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલ લઈનું કહેવામાં આવ્યું હતં. વલસાડની ખાનગી હૉસ્પિટલમાંથી દર્દીને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાથી દર્દીને લાંબાં સમય સુધી હૉસ્પિટલ બહાર 108 એમ્બ્યુલન્સમાં જ રાખવાની ફરજ પડી હતી. આ કારણે સમયસર સારવાર ન મળતા દર્દીનું એમ્બ્યુલન્સમાં જે મોત થયું હતું.
દર્દીના મોત બાદ પરિવારજનો રોષે ભરાયા હતા. એમ્બ્યુલન્સમાંથી દર્દીનાં મૃતદેહને બહાર કાઢીને પરિવારજનોએ હૉસ્પિટલ સ્ટાફ પર રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ હૉસ્પિટલ બહાર જ દર્દીનાં મોતથી હૈયાફાટ આક્રંદ કર્યું હતું. સમગ્ર સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. આખરે પરિવારજનો મૃતદેહને સ્ટ્રેચરમાં નાખીને રવાના થયા હતા. જોકે, સ્ટ્રેચર હૉસ્પિટલના એક દરવાજા પર ફસાઈ જતા દર્દીના સ્વજનોએ મૃતદેહને ઉપાડીને ઘરે જવા નીકળ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. જે બાદમાં દર્દીના પરિવારજનોએ મૃતદેહને રોડ પર જ મૂકી દીધો હતો. આખરે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને મૃતદેહને ફરી પાછો સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
મહત્તવપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. હૉસ્પિટલોમાં દર્દીઓને જગ્યા નથી મળી રહતી. વલસાડની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ પર સૌથી વધુ ભારણ વધતા ગંભીર દર્દીઓને સિવિલ હોસ્પિટલ પર લાવવામાં આવે છે. પરંતુ દર્દીઓને છેલ્લી ઘડીએ સમયસર સારવાર નહીં મળતા અનેક દર્દીઓનાં મોત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
નર્સને માર મારવાનો પ્રયાસ: બીજા એક બનાવમાં વલસાડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે એક દર્દીના પરિવારજનોએ પોતાના સ્વજનનું મોત થતાં હૉસ્પિટલની મહિલા નર્સને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા નર્સને મારવાનો પ્રયાસ થતાં જ અન્ય સ્ટાફમાં રોષ વ્યાપી ગયો હતો. જે બાદમાં દર્દીના પરિવારજનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે મોડી રાત્રે હૉસ્પિટલનો સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો.
મામલો બિચકતા વલસાડ સીટી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સિવિલ હૉસ્પિટલમાં હડતાલ કરી રહેલા સ્ટાફને મનાવવા પ્રયાસ કર્યા હતા. મોડી રાત્રે તમામ સ્ટાફ હડતાળ પર ઉતરી જતા હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. આખરે મોડી રાત્રે પોલીસ અને હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને હડતાલ સમેટી લેવામાં આવી હતી.
દર્દીના પરિવારજનો સ્ટ્રેચર પર મૃતદેહ મૂકીને ઘરે જવા નીકળ્યા હતા. હૉસ્પિટલમાં જગ્યા ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ રાખવાની ફરજ પડી હતી. પોલીસ આવતા મૃતદેહને ફરીથી સિવિલ લવાયો હતો.