નવી દિલ્હીઃ આજે આંતરરાષ્ટ્રી મહિલા દિવસ છે. જે નિમિત્તે સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા અનામતના મુદ્દા અંગે હોબાળો થયો હતો. સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે સમયે ફરી એક વખત સદનમાં મહિલા આરક્ષણનો મુદ્દો ઉઠ્યો હતો. ખાસ વાત એ છે કે, હવે સદનમાં મહિલાઓને ફક્ત 33 ટકા આરક્ષણ શા માટે આપવામાં આવે છે, 50 ટકા આરક્ષણ અપાવું જોઈએ તેવી માંગ કરાઈ હતી.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સદનમાં કહ્યું કે, ‘દેશમાં 24 વર્ષ પહેલા મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાની વાત થઈ હતી પરંતુ હવે 33 ટકાને વધારીને 50 ટકા કરી દેવું જોઈએ. જ્યારે દેશમાં મહિલાઓની વસ્તી 50 ટકા છે તો મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ 50 ટકા હોવું જોઈએ.’ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ‘લોકડાઉન દરમિયાન મહિલાઓ પરનું દબાણ ખૂબ વધ્યું છે જે ડોમેસ્ટિકથી લઈને માનસિક સુધીનું છે. આ સંજોગોમાં સદનમાં આ તમામ વિષયો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા થવી જોઈએ અને મહિલાઓને અધિકાર અપાવા જોઈએ.’
સંસદના બજેટ સત્રનો બીજો ભાગ આજથી શરૂ થઈ ગયો છે. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ કે તરત જ વિપક્ષે પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોને લઈ હોબાળો મચાવી દીધો હતો. આ કારણે રાજ્યસભાની કાર્યવાહીને 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સવારે 11 વાગ્યે ફરી સદનની કાર્યવાહી શરૂ થઈ તો કોંગ્રેસ પેટ્રોલ-ડીઝલના ભાવો અંગે ચર્ચાને લઈ જિદ્દ પર ઉતરી આવી હતી પરંતુ ઉપસભાપતિએ આ ચર્ચા માટે મનાઈ કરી દીધી હતી. ત્યાર બાદ 1 વાગ્યા સુધી રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવી હતી.
વિપક્ષે સદનમાં કહ્યું કે, ‘છેલ્લા થોડા દિવસોમાં પેટ્રોલ, ડીઝલ અને સિલિન્ડરની કિંમતો સાતમા આસમાને પહોંચી છે. જેથી ગરીબ લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ એક દેશવ્યાપી મુદ્દો છે અને સરકારે તાત્કાલિક તે અંગે ચર્ચા કરવી જોઈએ.’ કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, સમગ્ર દેશ સંકટમાં છે ત્યારે સરકારે કોઈ ઉકેલ શોધવો જોઈએ. કોંગ્રેસના સાંસદોએ રાજ્યસભાની સાથે સાથે લોકસભામાં પણ પેટ્રોલ ડીઝલના વધતા ભાવોને લઈ સ્થગન પ્રસ્તાવ રાખ્યો છે. કોંગ્રેસી નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં અને મનીષ તિવારીએ લોકસભામાં સ્થગન પ્રસ્તાવ રાખ્યો છે તથા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અંગે ચર્ચાની માંગ કરી છે.