જસદણ વિધાનસભા બેઠકની ઐતહાસિક કહી શકાય એવી પેટા ચૂંટણી માટે છેલ્લા દસ દિવસથી પ્રચાર યુધ્ધ ચાલી રહ્યા છે જેનો હવે અંત આવ્યો છે. હવે મતદાન માટેની ઘડી આવી ગઈ છે.
આજ રોજ ચુંટણી જંગમાં 262 બુથ પર મતદાન યોજાશે, જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોનું ભાવી ઈ.વી.એમ માં કેદ થશે અને 23 મી એ ભારે રોંમાંચ સાથે મત ગણતરી થશે. હાલ અર્ધલશ્કરી છ પ્લાટૂન સાથે 1100 સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. માત્ર ગુજરાત જ નહીં દિલ્હીના રાજનેતાઓની નજર પણ અહીં મંડાઈ છે.
આજ રોજ 2,32,116 મતદારો જસદણ -વીંછીંયા તાલુકા સહિતના વિધાનસભા વિસ્તારના ભવિષ્યનો નિર્ણય મતદાન દ્વારા કરશે. 18 વર્ષની વય ધરાવતા કુલ 1162 યુવા મતદારો છે. જે પૈકી યુવાનોની સંખ્યા 1163 અને યુવચીઓ કુલ 499 છે. જસદણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 1265 દિવ્યાંગ મતદારો નોંધાયા છે.
જસદણ વિધાનસભાની ચુંટણી માટે કુલ 262 મતદાન મથક છે અને 1,22,180 પુરુષ મતદારો અને 1,09,936 સ્ત્રી મતદારો મળીને કુલ 2,32,116 મતદારો નોંધાયા છે. 262 મતદાન મથકોમાંથી 126 મતદાન મથકો સંવેદનશીલ છે. 104 ગામડાઓ તેમજ જસદણ શહેર મળીને કુલ 105 ગામોમાં જુદા-જુદા 229 બિલ્ડીંગ પર મતદાન યોજાશે.