સુરત જિલ્લાના પલસાણાના બગુમરા ગામની સીમમાં આવેલી ઈગલ ફાઈબર પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં ગઈ મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં આખી કંપની બળીને ખાખ થઇ ગઈ હતી.દસ કલાક સુધી કંપનીમાં આગ વિકરાળ બની હતી. આગ લાગી ત્યારે નાઈટ પાળીમાં 50થી વધુ કામદારો કામ કરતા હતા. અચાનક ધડાકા સાથે કંપનીમાં આગ લગતા કામદારો પોતાના જીવ બચાવવા કંપની બહાર ભાગ્ય હતા. જોકે લેબર કોન્ટ્રાક્ટરના પુત્ર સહીત ત્રણ કામદારો ગૂમ થઇ ગયા હતા. આજે જ્યારે કાટમાળ ખસેડવામાં આવ્યો ત્યારે ચાર કામદારોના કંકાળ મળી આવ્યા હતા. કંપનીની આગમાં ચાર કામદારોન બળીને ભડથું થઈ ગયા હતા.
વિગતો મુજબ પલસાણા તાલુકાના બગુમરા ગામ ની સીમમાં આવેલી અને યાર્નનું ઉત્પાદન કરતી ઈગલ ફાઈબર પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં ગઈ કાલે વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.અને આગ એટલી વિકરાળ હતી કે આખી કંપની આગની ઝપેટમાં આવી ગઈ હતી. કંપનીમાં આગ લાગી ત્યારે નાઈટ શિફ્ટમાં 50થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. જોકે આગમાં એક પછી એક જોરદાર ધડાકા સાથે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી દેતા કંપનીને અડીને આવેલી બગુમરા રેસિડન્સીના રહીશો પણ પોતાના મકાનોમાંથી પરિવાર લઇ ભાગ્યા હતા. કંપનીમાં કામ કરતા લેબર કોન્ટ્રકટરના સગા પુત્ર સહિત અન્ય ત્રણ કામદારો કંપની બહાર નહી આવતા પરિવાર ચિંતામાં મુકાયું હતું.
આજે સવારથી કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર ચાર કામદારોના બળીને ભડથું થઈ ગયેલા હાડપિંજર મળી આવ્યા હતા. ચારેયની ઓળખ કરવામાં આવી હતી. ગૂમ થયેલા કામદારોની યાદીમાંથી ચારેયની ઓળખ અનુક્રમે રમેશ રાવત, અનમોલસિંગ ચૌહાણ,રીકું રાવત અને મનોજ તરીકે કરવામાં આવી હતી. પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.