ગુજરાતની વિધાનસભામાં સોમવારના રોજ ગુજરાત પોલીસ(અમદાવાદ) બિલ, 2018 પસાર કરવામાં આવ્યું, જે અંતર્ગત રેસ્ટોરાં અને ઈટરીના માલિકોએ નવું યુનિટ શરુ કરતા પહેલા પોલીસ લાઈસન્સની જરુર નહીં પડે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ એક્ટ, 1951 અંતર્ગત કોઈ પણ રેસ્ટોરાં શરુ કરતા પહેલા રાજ્યના પોલીસ અધિકારી પાસેથી રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ લેવાની જોગવાઈ હતી. આ સિવાય રેસ્ટોરાંના માલિકોએ હેલ્થ લાઈસન્સ, GST રજિસ્ટ્રેશન, ફાયર સેફ્ટી અને બિલ્ડિંગના વપરાશની પરમિશન વગેરે જેવી મંજૂરીઓ પણ લેવાની હોય છે.
હોટલ અસોશિએશન્સ તરફથી રાજ્ય સરકાર સમક્ષ માંગ કરવામાં આવી હતી કે રજિસ્ટ્રેશન અને રિન્યુઅલના સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને હટાવી લેવામાં આવે. રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાણે જણાવ્યું કે, વર્તમાન સમયને અનુલક્ષીને અને બિઝનેસ શરુ કરવા પહેલા આવતા લાઈસન્સ/રજિસ્ટ્રેશનના પડકારોને ઓછા કરાવનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયાને નાબૂદ કરવા માટે આ એક્ટના સેક્શન 2, 33 અને 131Aમાં સુધારો કરવો પડશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(GCCI)ના પ્રેસિડન્ટ શૈલેશ પટવારી કહે છે કે, બે વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં આ નિયમ રદ્દ કરવામાં આવ્યો હતો. અમે રાજ્ય સરકાર સમક્ષ આ અંગે માંગ મુકી હતી. આનાથી ગુજરાતની 60,000થી વધારે રેસ્ટોરાં અને ઈટરીને ફાયદો થશે.
હેવમોર રેસ્ટોરાંના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રદીપ છોના કહે છે કે, ગુજરાતમાં હોટલ ઈન્ડસ્ટ્રી માટે કાયદામાં આ સુધારાની ખુબ જરુર હતી. હવે નવા રેસ્ટોરાં અને ખાણીપીણીને લગતા સ્ટાર્ટ-અપ સરળતાથી શરુ થઈ શકશે અને રાજ્યની ઈકોનોમીને તેનાથી મદદ મળશે.
ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ અસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસડિન્ટ નરેન્દ્ર સોમાણી આ બાબતે જણાવે છે કે, નિયમમાં થયેલા આ ફેરફારને કારણે નવી રેસ્ટોરાં ખોલવી અને ચલાવવી વધારે સરળ બનશે અને ભ્રષ્ટાચાર પણ ઓછો થશે. આનાથી ઈન્ડસ્ટ્રીમાં ઈઝ ઓફ ડુઈંગને પ્રોત્સાહન મળશે.
ઉલ્લેખનીય છે કે રેસ્ટોરાં શરુ કરતા પહેલા લાઈસન્સ મેળવવું અથવા તેને રિન્યુ કરવુ ઘણું મુશ્કેલ કામ હતું અને તેમાં સમય પણ ઘણો જતો હતો. આ નવા નિયમને કારણે રેસ્ટોરાંના માલિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગવર્નરની મંજૂરી મળ્યા પછી રાજ્ય સરકાર આ એક્ટમાં જરુરી ફેરફાર કરશે અને અંતિમ નિયમો જાહેર કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.