નવી દિલ્હી: દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલ થયાને પ્રથમ વર્ષગાંઠ પર સરકાર મોટી રાહત આપી શકે છે. સીજીએસટી કાયદામાં કેટલાક ફેરફાર થઇ શકે છે. જીએસટી કાયદાની સમીક્ષા માટે અધિકારીઓની બનેલી કમિટી સીજીએસટી અને એસજીએસટી કાયદામાં કેટલાક ફેરફાર કરવાની ભલામણ કરી શકે છે.
જીએસટી કાઉન્સિલ કમિટીની ભલામણના આધારે સુધારા બિલનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે, જેને સંસદના ચોમાસું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.સીજીએસટી, આઇજીએસટી, એસજીએસટી તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ઓડિટ અને અપીલ સંબંધી કાયદામાં રહેલી કેટલીક મુશ્કેલીઓને દૂર કરવામાં આવી શકે છે.
કમિટી ઔદ્યોગિક સંગઠન ફિક્કી, એસોચેમ અને નાસકોમ જેવાં સંગઠનો દ્વારા મળેલ ભલામણના તથા વિવિધ વેપારી એસોસીઅેેશનનાં સૂચનને ધ્યાને લઇને પડતી મુશ્કેલીઓ સંબંધે ચર્ચા-વિચારણા કરશે. નોંધનીય છે કે દેશમાં જીએસટી અમલને નવ મહિના કરતાં વધુનો સમય થઇ ચૂક્યો છે.કમિટી આ અંગેનો અંતિમ રિપોર્ટ ૧૫ જૂન સુધીમાં સોંપશે.
અાપને જણાવી દઈએ કે જીએસટી રિટર્ન ભરવામાં મુશ્કેલી યથાવત્ છે. આજે જીએસટીનાં બે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. છેલ્લા દિવસે મોટા પ્રમાણમાં એકસાથે રિટર્ન ભરાતાં આજે સવારે પોર્ટલ ઉપર સ્પીડ ધીમી મળી રહી હતી, જેના કારણે રિટર્ન ભરવામાં વેપારીઓને મુશ્કેલી અનુભવવી પડી રહી હતી. આજે જીએસટીઆર-૩બી રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે.