સપ્તાહના અંતે ગુરુવારે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૧૧૧ પોઇન્ટના ઘટાડે ૩૬,૦૫૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૬ પોઇન્ટના ઘટાડે ૧૧,૦૬૯ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ હતી, જોકે સપ્તાહ દરમિયાન શેરબજારમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી. સેન્સેક્સે પ્રથમ વાર ૩૬ હજાર, જ્યારે નિફ્ટીએ ૧૧ હજારની સપાટી ક્રોસ કરી હતી.
સપ્તાહમાં સેન્સેક્સ ૧.૫૧ ટકા સુધર્યો હતો. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નિફ્ટી છેલ્લે ૧૧ હજારની ઉપર બંધ આવી છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય, જોકે હવે આગામી સપ્તાહમાં આવનારું બજેટ બજારને નવી દિશા આપશે.
આગામી સપ્તાહે ૧ ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ જાહેર થનાર છે. બજેટમાં ગ્રામીણ, એગ્રિકલ્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને રાહત મળી શકે છે તેવો મત એનાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાયો છે ત્યારે હવે સરકાર આગામી બજેટમાં દેશનો ઇકોનોમી ગ્રોથ વધે તે માટે કેવાં પગલાં ભરે છે તેના ઉપર શેરબજાર સાથે જોડાયેલા સૌની નજર છે.
આગામી ૬ અને ૭ ફેબ્રુઆરીએ મોનિટરી પોલિસી બેઠક છે. બેન્ક શેરમાં તોફાની વધ-ઘટ નોંધાઇ શકે છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે આગામી સપ્તાહે શેરબજારમાં ઝડપી વધ-ઘટ નોંધાઇ શકે છે, જોકે વિદેશી સંસ્થાગત રોકાણકારો સહિત સ્થાનિક ફંડ રોકાણ વધારી રહ્યાં છે. બજારમાં નાણાકીય પ્રવાહિતા પણ ઊંચી છે. કોર્પોરેટ કંપનીનાં પરિણામ સારાં આવી રહ્યાં છે. આ જોતાં શેરબજારમાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ ઓછી છે.